નઝીરાલી તેજાની નામના પ્રોપર્ટી ટાયકૂનને તેમના ફ્લેટમાંથી આવતા “બબલ રેપ પોપિંગ” અવાજના કારણે તેના લક્ઝુરીયસ ફ્લેટમાં ઊંઘ ન આવવાના દાવા માટે હાર સહન કર્યા પછી £1 મિલિયનના કાનૂની બિલનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ ઉભી થઇ છે.
લગભગ દસ વર્ષ પહેલાં લંડનના ઓક્સફોર્ડ સ્ટ્રીટ પાસે ફિટ્ઝરોય પ્લેસમાં “ઓફ પ્લાન” ફ્લેટ માટે £2.6 મિલિયન ચૂકવનાર તેજાનીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ફ્લેટનો કબ્જો મેળવ્યાના થોડા સમય બાદ ફ્લેટમાં “પોપિંગ બબલ રેપ જેવો” મોટો અવાજ આવ્યો હતો. તેજાનીએ દાવો કર્યો કે અવાજ ફ્લેટમાં ફેલાયો હતો અને તેની ઊંઘમાં ખલેલ પહોંચી હતી. તેમણે દલીલ કરી હતી કે બ્લોકના અન્ય રહેવાસીઓએ પણ સમાન અવાજ સાંભળ્યો હતો.
મોંઘા રીપેરીંગ બાદ પણ અવાજ ચાલુ રહેતા તેજાનીએ ફ્રીહોલ્ડર અને ડેવલપર પર લગભગ £1 મિલિયનનો દાવો માંડ્યો હતો. જો કે જજ વેરોનિક બુહર્લેન કેસીએ તેજાનીના દાવાને “નબળો” કહી ફગાવી દીધો હતો અને તેને કેસની અંદાજે £1 મિલિયનથી વધુ એવી કાનૂની કિંમત ચૂકવવાનો આદેશ આપ્યો છે.
જજે તેમને વિવાદનું સમાધાન કરવા સલાહ આપી છે.