શાહરુખ ખાન સાથેની ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી નયનતારાએ જવાનની રિલીઝ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પ્રવેશ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરતાની સાથે જ નયનતારા છવાઈ ગઇ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ઝડપથી એક મિલિયન ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર આગમનના 10 કલાકમાં જ 10 લાખ ફોલોઅર્સ મળી જતાં નયનતારાએ બંને હાથ ખુલ્લા રાખીને ચાહકોનો આભાર માન્યો હતો. નયનતારાના આગમન પહેલા સોશિયલ મીડિયા પર સૌથી વધુ ઝડપથી ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ કેટરિના કૈફનો હતો. કેટરિનાને 24 કલાકમાં એક મિલિયન ફોલોઅર્સ મળ્યા હતા.
નયનતારાએ ઈન્સ્ટાગ્રામમાં જોડાયા પછી જવાનનું હિન્દી ટ્રેલર શેર કર્યું હતું. આ સાથે તેણે તેના જોડિયાં પુત્ર સાથેનો ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યો હતો. ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર નયનતારા અત્યારે માત્ર 10 વ્યક્તિને ફોલો કરે છે. જેમાં તેના પતિ વિજ્ઞેશ સિવાન અને શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. 38 વર્ષીય નયનતારા સામંથા રૂથ પ્રભુ, પ્રિયંકા ચોપરા જોનાસ, મિશેલ ઓબામા જેનિફર એનિસ્ટનને પણ ફોલો કરે છે. નયનતારાએ જવાન ફિલ્મમાં પાવરફુલ પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે. સમાજમાંથી દૂષણને દૂર કરવાના મક્કમ નિર્ધાર સાથે તે ગુનેગારોનો સામનો કરે છે. નયનતારાએ આ ફિલ્મમાં ફી પેટે રૂ. 11 કરોડ લીધા હોવાનું કહેવાય છે.