પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ નવા વડાપ્રધાન બન્યા બાદ ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ આગામી મહિને ઈદ પછી લંડનથી પાકિસ્તાન પાછા ફરે તેવી શક્યતા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના નેતા જાવેદ લતિફે કહ્યું હતું કે સાથી પક્ષોના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી નવાઝ શરીફની પાકિસ્તાન વાપસી બાબતે નિર્ણય લેવાશે. ૭૨ વર્ષના નવાઝ શરીફ સામે ઈમરાન ખાનની સરકારે ભ્રષ્ટાચારનો કેસ ચલાવ્યો હતો.
પનામા પેપર્સમાં નામ ખુલ્યા બાદ નવાઝ શરીફે ૨૦૧૭માં વડાપ્રધાનપદ છોડવું પડયું હતું. ૨૦૧૯થી નવાઝ શરીફ લંડનમાં છે. લાહોર હાઈકોર્ટે ૨૦૧૯માં નવાઝ શરીફને સારવાર માટે વિદેશ જવાની પરવાનગી આપી હતી. ઈમરાન ખાનની સરકારનું પતન થયું તે સાથે જ નવાઝ શરીફ પાછા ફરશે તેવી અટકળો પાકિસ્તાનના મીડિયામાં થતી હતી.