હવામાન વિભાગે જારી કરેલા વરસાદના રેડ એલર્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે 10થી 18 ઇંચ સુધીના વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી. સમગ્ર નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્ણા-કાવેરી-અંબિકા નદીઓમાં આ સિઝનમાં ત્રીજી વખત ઘોડાપુર અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. જિલ્લાનાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. જિલ્લામાં ૨૪ કલાકમાં સરેરાશ ૧૧.૩૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ૧૭.૪ ઈંચ વાંસદામાં, જલાલપોરમાં ૧૧.૦ ઈંચ, ચીખલીમાં ૧૦.૬ ઈંચ, ખેરગામમાં ૧૦.૫ ઈંચ, ગણદેવીમાં ૧૦.૦ ઈંચ અને નવસારીમાં ૮.૮ ઈંચ વરસાદ થયો હતો.
પૂર્ણા-કાવેરી નદીનાં પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. નેશનલ હાઇવે.નં.૪૮ પર ઠેર-ઠેર પાણી ભરાતા ચીખલીથી વલસાડ સુધી બંધ કરાયો હતા. નવસારીમાં કરંટ લાગતા એક યુવકનું મોત થયું હતું. કાવેરી નદી દેસરામાં ઓવરફલો થતા પાળો તોડી સોમનાથ તળાવમાં પાણી ભરાયા હતા. છે.
નવસારી જિલ્લાનાં ઉપરવાસનાં આહવા-ડાંગ સહિત જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી અતિ ભારે વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા-અંબિકા-કાવેરી નદીમાં એક સપ્તાહમાં ત્રીજી વખત ઘોડાપુર આવ્યા હતા. ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જિલ્લામાં નદી કાંઠે આવેલા ગામો તેમજ શહેરનાં નીચાણવાળા વિસ્તારો સહિત શહેરનાં મુખ્ય માર્ગો ઉપર કમરથી ગળા સુધી પાણી ભરાતા લોકોમાં મુશ્કેલીમાં મુકાયા હતા. નવસારી શહેર તેમજ આજુબાજુનાં ગામોનાં તમામ માર્ગો બંધ થયા હતા.
પૂર્ણા નદીનાં ઉપરવાસ તથા તેના કેચમેન્ટ એરિયામાં પડેલા ભારે વરસાદનાં કારણે બુધવારે મધ્યરાત્રીએ નદીએ તેની ૨૩ ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી હતી અને પાણી ભરાવવાનું શરૂ થયું હતું. અંબિકા નદી ગણદેવીનાં સોનવાડીનાં પુલ પાસે તેની ૨૮ ફૂટની ભયજનક સપાટીથી ૧૦ ફૂટ ઉપર વહેવા લાગી હતી. તેનાથી ગણદેવી તાલુકોનાં નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. જ્યારે કાવેરી નદીએ પણ રૌદ્વસ્વરૂપ ધારણ કર્યું હતું. તેનાથી ચીખલી-ગણદેવી-ખેરગામ તાલુકાનાં ૨૫ ગામોમાં પામી ભરાતા લોકો ફસાયા હતા. ફસાયેલાં લોકોને બહાર કાઢવા એન.ડી.આર.એફ.ની ટીમો પોલીસ ફાયર બ્રિગેડ જવાનો કામે લાગ્યા હતા. ચીખલી ગામે પૂરમાં ફસાયેલા લોકોને દમણ કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. તવડી ગામમાં ૨૦૦ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.