ફિલ્મો તરફ દર્શકોને આકર્ષવા માટે નિર્માતા-દિગ્દર્શકો તેમાં અવનવા પ્રયોગો કરતા રહે છે. ખાસ તો દર્શકોને ધ્યાનમાં રાખીને તહેવાર સંબંધિત ગીત-સંગીતનો તેમાં ઉપયોગ કરે છે. ઘણા લાંબા સમયથી બોલીવૂડની ફિલ્મો નવરાત્રિનું પણ આકર્ષણ જોવા મળ્યું છે. સમયની સાથે ફિલ્મોમાં પણ નવરાત્રિનું સ્વરૂપ બદલાયું છે. અત્યારની ફિલ્મોમાં નવરાત્રિનું આધુનિક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અહીં આવી જ કેટલીક ફિલ્મો અને તેના ગીતો વિશે જણાવવામાં આવ્યું છે જેમાં નવરાત્રિના રૂપરંગને આવરી લેવામાં આવ્યા હોય.
સત્યપ્રેમ કી કથા (2023)
આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ ‘સુન સજની…’ ગીત પર ગરબામાં જમાવટ દેખાડી છે. આ વર્ષની નવરાત્રિના ગીતોમાં તે સૌથી મોખરે છે. મજાની વાત તો એ છે કે ચાહકોએ આ ગીતને લોકપ્રિય ગુજરાતી ગરબો ‘મારી મહિસાગરને આરે…’ ટ્રેક સાથે સરખાવ્યું છે.
ગંગુબાઈ કાઠિયાવાડી (2022)
આલિયા ભટ્ટએ પણ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘માં ગરબાનો રંગ જમાવ્યો છે. મોટાભાગે નવરાત્રિમાં મહિલાઓ રંગબેરંગી ચણિયાચોળી પહેરીને ગરબે ઝૂમતી હોય છે પણ આ ટ્રેન્ડથી અલગ આલિયાએ ‘ઢોલીડા… ઢોલીડા…’ ગીતમાં એક અલગ પ્રકારનો જ ટ્રેન્ડ અપનાવ્યો હતો. આલિયા તેમાં સફેદ રંગની સાડી પહેરીને ગરબે ઝૂમી છે જોકે આ જ ફિલ્મના ‘ઝુમે રે ગોરી…’ ગીતમાં તે પરંપરાગત ચણિયાચોળીમાં જોવા મળે છે.
મજા મા… (2022)
આ ફિલ્મમાં માધુરી દીક્ષિત પણ ગરબાના તાલે ઝૂમી છે. ‘મજા મા…’ ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં તે ગરબામાં ‘બૂમ પાડી’ દે છે.
રશ્મિ રોકેટ (2021)
‘ઘની ફુલ છોરી…’ પણ નવરાત્રિના તહેવારને આવરી લેતું ગીત છે. ચણિયાચોળીમાં સજ્જ તાપસી પન્નુએ ગીતમાં ગરબાને આધુનિક રૂપ આપ્યું છે.
મિત્રો (2018)
આ ફિલ્મનું ‘કમરિયા…’ ગીત પણ ગરબા પર જ છે, પણ તેમાં મોડર્ન બીટ્સ સાથે ડાન્સ વધારે અને ગરબા ઓછા છે. તેમાં ગુજરાતની સંસ્કૃતિની છાંટ ઉમેરવા માટે થોડા દાંડિયા રાસ બતાવવામાં આવ્યા છે.
લવરાત્રિ (2018)
નવરાત્રિનું આધુનિક સ્વરૂપ દર્શાવતી આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં નવરાત્રિનો તહેવાર કેન્દ્ર સ્થાને છે. ગરબા રમતા રમતા દિલથી દિલ મળવાનો વર્ષોથી ચાલી આવતો ચીલો આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે. તેમાં ‘છોગાડા’ ગીત દર્શન રાવલ અને આશિષ કૌરે ગાયું છે. જ્યારે ‘ઢોલીડા’ ઉદીત નારાયણના સ્વરમાં છે અને નેહા કક્કર અને પલક મુછ્છલે ‘રંગતાડી’માં અવાજ આપ્યો છે.
રઈસ (2017)
‘રઈસ’ના ‘ઊડી ઊડી જાય…’ ગીતમાં શાહરુખ ખાન અને પાકિસ્તાની અભિનેત્રી મહિરા ખાન ગરબાની તાલે ઝૂમ્યા છે. કરસન સાગઠીયાનો પહાડી અવાજ પણ સાંભળવા જેવો છે.
કાઈપો છે (2013)
‘કાઈપો છે’ ફિલ્મનું નવરાત્રિ સોંગ ‘શુભારંભ…’ ગરબાની યાદ અપાવે છે. આ ગીતમાં રાજકુમાર રાવ અને અમૃતા પુરી જે રીતે ગરબા રમે છે તેવા જ સ્ટેપ ખેલૈયાઓએ શીખીને નવરાત્રિનો લ્હાવો માણ્યો હતો.
રામલીલા (2013)
આ ફિલ્મમાં કોસ્ચ્યુમથી લઇને તેના સંવાદોમાં ગુજરાતની છાંટ જોવા મળી રહે છે. તેમાં પણ ફિલ્મનું ‘નગાડા સંગ ઢોલ બાજે….’ ગીત નવરાત્રિ માટે હોટ ફેવરિટ બન્યું છે. આ ગીતનાં શૂટિંગ વખતે દીપિકાના પગ છોલાઈ ગયા હતા અને સોજો આવી ગયો હતો. આ ગીતને શૂટ કરવા માટે ફિલ્મ સિટીમાં દસ દિવસ માટે સેટ ઊભો કરવામાં આવ્યો હતો. તેમાં દીપિકાએ 30 કિલોની ચણિયાચોળી પહેરીને પરફોર્મ કર્યું છે. એ સમયમાં તેની આ ચણિયાચોળી ખૂબ ટ્રેન્ડમાં હતી.
હમ દિલ દે ચુકે સનમ (1999)
‘હમ દિલ દે ચુકે સનમ’નું આઈકોનિક ગરબા સોંગ ‘ઢોલી તારો ઢોલ બાજે…’માં તો આખે આખું ગુજરાત દર્શાવવામાં આવ્યું હતું. કચ્છના માંડવીમાં આવેલા વિજય વિલાસ પેલેસમાં આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કેટલીક જૂની ફિલ્મોમાં પણ ગરબાની લોકપ્રિયતાને આવરી લેવામાં આવી હતી.
ફિલ્મ ગીત
સુહાગ (1979) માતા…ઓ શેરાવાલી
સરસ્વતીચંદ્ર (1968) મેં તો ભૂલ ચલી બાબૂલ કા..
ક્રાંતિવીર (1994) જય અંબે જગદંબે મા
જય સંતોષી મા (1975) મેં તો આરતી ઉતારું રે સંતોષી…
મન કી આંખે (1970) અરે મા… ગૌરી મા…