દુબઈઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે યુનાઇટેડ આરબ અમીરાતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ નાવિદ અને શેઇમાન અનવર બટ્ટને ટી-૨૦ વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં ફિક્સિંગના ગુના બદલ આઠ વર્ષ ક્રિકેટમાં પ્રતિબંધની સજા કરી છે.
૨૦૧૯માં જ તેઓ પુરાવા સાથે પકડાઈ ગયા હતા તેઓ માટે તાત્કાલિક પ્રતિબંધ ફરમાવાયો હતો. સજાની જાહેરાત ગયા સપ્તાહે કરાઈ હતી. યુ.એ.ઇની. ટીમના તેઓ સ્ટાર ખેલાડીઓ હતા. નાવિદ પકડાયો ત્યારે કેપ્ટન હતો.
૩૩ વર્ષનો નાવિદ જમણેરી ફાસ્ટ બોલર હતો અને તે ૩૯ વન-ડે ઇન્ટરનેશનલ તથા ૩૧ ટી-૨૦ ઇન્ટરનેશનલ્સ રમી ચૂકયો છે. તો ૪૨ વર્ષનો મીડલ ઓર્ડર બેટસમેન બટ્ટ ૪૦ વન-ડે તથા ૩૨ ટી-૨૦ રમ્યો છે. બટ્ટ ઓપનિંગ બેટસમેન તરીકે પણ ઘણી મેચોમાં ઉતરતો હતો. જયારે નાવિદ યુએઇનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટના જનરલ મેનેજર અલેકસ માર્શલે જણાવ્યું હતું કે બંને ખેલાડીઓ મેચનું પરિણામ પણ ફિકસ કર્યું હોય તે રીતે મેચને વળાંક આપતા હતા એટલું જ નહીં બીજા ખેલાડીઓને પણ ફિકસિંગની જાળમાં ફસાવતા હતા. તેઓએ આઇસીસીને મેચ ફિકસિંગની તપાસમાં પણ સહકાર નહતો આપ્યો.