પાકિસ્તાનની એક ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે બુધવારે (9 સપ્ટેમ્બર) તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ભૂતપૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારી તથા ભૂતપૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને કસુરવાર ઠરાવ્યા હતા, તો બીજા એક ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભાગેડુ જાહેર કર્યા હતા. આ કેસમાં સરકારી તિજોરીને ભારે નુકશાન થયાનું જણાય છે.
કેસની સુનાવણી કરી રહેલા જજ અસ્ગર અલીએ હાલમાં લંડનમાં તબીબી સારવાર કરાવી રહેલા નવાઝ શરીફની પાકિસ્તાનમાં રહેલી સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો માંગી હતી. જજે આ કેસમાં કસુરવાર ઠરેલા અન્ય તમામ નેતાઓને પણ સાત દિવસમાં કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું.
તોશાખાના ભ્રસ્ટાચાર કેસનો મામલો અન્ય દેશો દ્વારા પાકિસ્તાનને ભેટ-સોગાદમાં આપવામાં આવેલા વાહનો ઝરદારી તેમજ નવાઝ શરીફ ખરીદી શકે તે માટે નિયમોમાં કરાયેલા કથિત ફેરફારો, અપાયેલી રાહતોનો છે. નવાઝ શરીફ સામે એવો આક્ષેપ છે કે, તેણે પોતાની પસંદગીની લક્ઝરી કાર્સ તેની કિંમત કરતાં ફક્ત 15 ટકા રકમ ચૂકવી ખરીદી હતી. ઝરદારી અને ગિલાની સામે પણ આ જ રીતે સરકારી તોશાખાનમાંથી લકઝરી કાર્સ અને મોંઘી ભેટસોગાદો મેળવવાનો આરોપ છે.
નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી – રાષ્ટ્રીય જવાબદેયતા બ્યુરો) એ માર્ચ મહિનામાં આ કેસ ફાઈલ કરી તોશાખાનાના નિયમોના ભંગના આરોપો મુક્ય હતા અને એવી દલીલ કરી હતી કે, આ નેતાઓએ સરકારી તિજોરીને વ્યાપક નુકશાન કરાવ્યું હતું. એનએબીના કહેવા મુજબ ગિલાનીએ ઝરદારી તેમજ નવાઝ શરીફ માટે વૈભવી કાર્સ મેળવવાનું સરળ કરી આપ્યું હતું. કોર્ટે વિદેશ મંત્રાલયને આદેશ કર્યો છે કે, લંડન ખાતેના પાકિસ્તાની હાઈકમિશનના માઘ્યમથી તે નવાઝ શરીફ સામેના ધરપકડ વોરન્ટનો અમલ કરાવે. બે અન્ય વ્યક્તિઓ – વેપારીઓ અનવર મજીદ તથા અબ્દુલ ગની મજીદ પણ આ કેસમાં આરોપીઓ હતા અને તેમને પણ કસુરવાર ઠરાવાયા હતા. ઝરદારી અને ગિલાની સહિત ચારેયે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.