‘બોરિસને પાર્ટીગેટ કૌભાંડોની ભરમારના કારણે નૉટી સેન્ટરમાં જવું જોઈએ’ એમ કહેનાર લેસ્ટરની લયલા સોમાણી નામની 5 વર્ષની ગુજરાતી બાળાનો વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તે સમગ્ર રાષ્ટ્રના લોકોનું કર્ષમનું કેન્દ્ર બની હતી.
લયલા સોમાણીએ લેસ્ટરમાં તેના દાદા દાદી કાંતિભાઇ અને કુસુમ સોમાણી સમક્ષ બોરિસ જોન્સન અંગે મીઠી પણ અસરદાર વાતો કરી તેનું ફિલ્મીંગ કરાયું હતું. તેણીએ જણાવ્યું હતું કે ‘’વડા પ્રધાન બોરિસ જૉન્સન ‘નૉટી’ છે અને તેને માફ કરવાની જરૂર છે.
નાનકડી લયલાએ દબાણયુક્ત રાજકીય પરિસ્થિતિ અંગે ગયા અઠવાડિયે ટીવી પર સમાચાર જોયા બાદ આ બળાપો બહાર કાઢ્યો હતો. જેને તેણીની માતા દેવિના સોમાની અને પિતા નિક સોમાણીએ રોકોર્ડ કરી શેર કર્યો હતો. કેટલાક યુઝર્સે તેણીને ‘ભવિષ્યની પીએમ’ ગણાવી હતી. તે પછી તેણીએ વડા પ્રધાનનો વેક્સીન આપવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રમુજી ક્લિપમાં, લયલાએ જણાવ્યું હતું કે ‘જોન્સને બધાને ઘરે રહેવા કહ્યું, પરંતુ લોકડાઉનમાં તેઓ પાર્ટીમાં ગયા. હવે તેઓ વડા પ્રધાન નહીં રહી શકે અને વડા પ્રધાનના ઘરે પાછા જઈ શકશે નહીં.’’ આ વિડિઓને 55,000થી વધુ વ્યૂઝ અને 1,645 પ્રતિક્રિયાઓ મળી હતી.