લોકપ્રિય ટીવી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી જાણીતા ‘નટુકાકા’ એટલે કે ઘનશ્યામ નાયકનું રવિવારે 77 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેઓને છેલ્લા એક વર્ષથી કેન્સર હતુ. તેઓ 55 વર્ષથી વધારે સમયથી મનોરંજન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગડા ઈલેક્ટ્રોનિક્સના ‘નટુકાકા’ એટલે કે ઘનશ્યામ નાયકને આ પાત્રએ ચોતરફ ઓળખ અપાવી અને પોતાની એક્ટિંગથી તેમણે આ રોલને જીવંત કર્યો હતો.
ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતના હતા. તેમણે 31 ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી ઉપરાંત તેમણે ગુજરાતી ટીવી સિરિયલોમાં પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો હતો. તેઓ 2008માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ શરૂ થઈ ત્યારથી જ તેમાં જોડાયેલા છે. માત્ર 7 વર્ષની ઉંમરે ઘનશ્યામ નાયકે એક્ટિંગની શરૂઆત કરી હતી. ઘનશ્યામ નાયકે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન ખાન સાથે ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘તેરે નામ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે 250 જેટલા નાટકોમાં પણ કામ કર્યું હતું.
નટુકાકા’ના અંતિમ સંસ્કારમાં જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જોષી, બબીતાજીનો રોલ કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા, જૂનો ટપ્પુ એટલે કે એક્ટર ભવ્ય ગાંધી અને ગોગીનો રોલ કરતો એક્ટર સમય શાહ હાજર રહ્યા હતા. આ ઉપરાંત શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પણ ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં હાજર હતા. ભઈલુંનો રોલ કરતો એક્ટર જતીન બજાજ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યો હતો.
તારક મહેતા… ‘ના કલાકારો ઘનશ્યામ નાયકના ઘરે અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. મંદાર ચાંદવાડકર (ભીડે), અમિત ભટ્ટ (ચંપક ચાચા), તનુજ મહાશબ્દે (ઐય્યર), શ્યામ પાઠક (પોપટલાલ), શરદ સંકલા (અબ્દુલ) જેવા કલાકારો ઘનશ્યામ નાયકના અંતિમ દર્શન માટે તેમના ઘરે પહોંચ્યા હતા.