મંગળવારથી લિથુઆનિયાના વિલ્નિયસમાં યોજાઈ રહેલી નાટોની વાર્ષિક સમિટમાં યુક્રેનની સદસ્યતાની બિડ એજન્ડામાં ઊંચી હશે. જો કે આ સમિટમાં ભાગ લેનારા તમામ 31 નાટો સભ્યો સંમત થયા છે કે યુક્રેન આ યુદ્ધ દરમિયાન લશ્કરી જોડાણમાં જોડાઈ શકે નહીં કેમ કે તેમને ભય છે કે જોડાણ રશિયા સાથે સીધો સંઘર્ષ ઉભો કરશે. નાટો જોડાણના બોસ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું છે કે યુક્રેનને નાટો સભ્યપદ બાબતે “સ્પષ્ટ અને સકારાત્મક સંદેશ” મળશે.
દરમિયાન સમીટમાં ભાગ લેવા પહોંચેલા વડા પ્રધાન સુનકે જણાવ્યું હતું કે ‘’યુકે 2008માં નાટોના સભ્યો દ્વારા કરાયેલા કરારને અનુરૂપ, દરેક દેશોને તેમની જીડીપીના ઓછામાં ઓછા 2 ટકા સંરક્ષણ પાછળ ખર્ચવા દબાણ કરશે. ગત વર્ષે 30 સભ્ય દેશોમાંથી માત્ર નવ જ દેશો તે લક્ષ્યને હાંસલ કરી રહ્યા હતા. આવતા વર્ષ સુધીમાં તે 20 દેશો સુધી પહોંચવાનો અંદાજ છે.’’ પરંતુ સરકારી સૂત્રો કહે છે કે તમામ સભ્યો લક્ષ્યને પહોંચી વળવા માટે એક યોજના સાથે લિથુઆનિયા છોડવા માંગે છે. આ દેશો સાથી નેતાઓને રશિયાના આક્રમણના પાઠ શીખવા અને તેના સશસ્ત્ર દળોને “વધુ ઘાતક અને જમાવટ કરી શકે તેવા” બનાવવા વિનંતી કરવા માંગે છે.
વડા પ્રધાન સુનક બ્રિટિશ ડીફેન્સ કોન્ટ્રાક્ટર BAE સિસ્ટમ્સ સાથે £200 મિલિયનના સોદાના ભાગરૂપે યુકેમાં આર્ટિલરી શેલ્સના ઉત્પાદનમાં વધારો કરવાની પણ જાહેરાત કરનાર છે.
યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે તા. 11ના રોજ જણાવ્યું હતું કે યુક્રેનને સભ્ય બનાવવામાં વિલંબ થઇ રહ્યો છે અને યુક્રેનની સદસ્યતા માટે સમયમર્યાદા ન હોવી “અભૂતપૂર્વ અને વાહિયાત” છે. અનિશ્ચિતતા એ નબળાઈ છે અને હું આ અંગે સમિટમાં ખુલ્લેઆમ ચર્ચા કરીશ”
યુક્રેન હાલના યુદ્ધ દરમિયાન જ નાટો સમિટ યુક્રેનની બિડ પર “સ્પષ્ટ સંકેત” આપે તેમ ઇચ્છે છે. સભ્યપદ પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી શકે છે, પરંતુ યુક્રેન વધુ ઝડપી સમયરેખા માંગે છે. યુકે સાથે પૂર્વીય યુરોપના નાટોના કેટલાક સભ્યો યુક્રેન માટે ફાસ્ટ-ટ્રેક સભ્યપદ માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ યુએસ, જર્મની સહિત અન્ય દેશો તે માટે અચકાતા જોવા મળે છે. કેમ કે તેમને ડર છે કે તેનાથી પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે સીધો સંઘર્ષ થઈ શકે છે. સીએનએન સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું હતું કે યુક્રેનની સભ્યપદની બિડ “અકાળ” હતી.
યુ.એસ.નું કહેવું છે કે કલ્સ્ટર બોમ્બ અંગે તેને યુક્રેનનું આશ્વાસન મળ્યું છે કે શસ્ત્રોનો ઉપયોગ રશિયા અથવા શહેરી વિસ્તારોમાં કરવામાં આવશે નહીં.
નાટો નિયમો મુજબ સભ્ય દેશ પર થતા હુમલાને અન્ય સાથી દેશો પરનો હુમલો માનવામાં આવે છે અને સાથી સભ્યો તે દેશને મદદ કરવા અને બચાવવા માટે બંધાયેલા છે. આ માટે દરેક સભ્ય દેશે પોતાની ક્ષમતા મુજબ ભંડોળ આપવાનું હોય છે.