ભારતમાં રાજકીય પક્ષોને મળતા ડોનેશનમાં પારદર્શકતા લાવવાની જરૂરિયાત વચ્ચે એક નવા અહેવાલમાં બહાર આવ્યું છે કે દેશના મુખ્ય સાત રાષ્ટ્રીય પક્ષોએ 66 ટકા ચૂંટણીફંડ અજાણ્યા સ્રોતમાંથી મેળવ્યું છે. એડીઆરના રીપોર્ટમાં જણાવાયું છે કે 2004-05 અને 2021-22 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોએ અજ્ઞાત સ્રોતમાંથી આશરે રૂ.17,249.45 કરોડનું ચૂંટણી ફંડ મેળવ્યું છે. 2021-22માં સાત રાષ્ટ્રીય પક્ષોએ મેળવેલી કુલ ચૂંટણીભંડોળમાંથી આશરે 66 ટકા ભંડોળ અજાણ્યા સ્રોતમાંથી મેળવ્યું હતું.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ શનિવારે જાહેર કરેલા અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, ભાજપે અજાણ્યા સ્ત્રોતોમાંથી રૂ.1161.0484 કરોડની આવક જાહેર કરી હતી, જે અજ્ઞાત સ્ત્રોતોમાંથી રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક (રૂ.2172.231)ના 53.45 ટકા થાય છે. ભાજપની આ આવક અન્ય છ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ અજ્ઞાત સ્ત્રોતોમાંથી મળેલી કુલ રૂ.1011.1826 કરોડ આવક કરતાં રૂ.149.8658 કરોડ વધુ છે.
ટીએમસીએ અજાણ્યા સ્ત્રોતોમાંથી રૂ.528.093 કરોડની આવક જાહેર કરી હતી, જે અજ્ઞાત સ્ત્રોતોમાંથી રાષ્ટ્રીય પક્ષો મેળવેલી કુલ આવકના 24.31 ટકા છે.
ચૂંટણી સુધારણા માટે કામ કરતી એનજીઓએ સત્તાવાર ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે BJP, કોંગ્રેસ, TMC, NCP, CPI, CPI(M) અને નેશનલ પીપલ્સ પાર્ટી સહિત સાત પક્ષોએ 2021-22માં અજાણ્યા સ્ત્રોતોમાંથી રૂ,2,172 કરોડ એકત્ર કર્યા હતા. અજાણ્યા સ્ત્રોતની આ આવક સાતપક્ષોની કુલ આવકના આશરે 66.04 ટકા થાય છે. અજાણ્યા સ્રોતમાંથી મળેલી કુલ આવકમાંથી રૂ.1811.94 કરોડ અથવા 83.41 ટકા રકમ ઇલેક્ટ્રોરલ બોન્ડ મારફત મળી હતી.
અજ્ઞાત સ્ત્રોતોમાંથી આવક તરીકે રૂ.2172.231 કરોડમાંથી, ચૂંટણી બોન્ડ્સમાંથી આવકનો હિસ્સો રૂ. 1811.9425 કરોડ અથવા 83.4% હતો. નાણાકીય વર્ષ 2004-05 અને 2021-22 વચ્ચે કુપનના વેચાણથી કોંગ્રેસ અને NCPએ કુલ રૂ.4398.51 કરોડ ઊભા કર્યા હતા.
નાણાકીય વર્ષ 2021-22માં આઠ રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કુલ આવક રૂ.3289.34 કરોડ હતી અને જાણીતા દાતાઓ પાસેથી રાજકીય પક્ષોની કુલ આવક રૂ.780.774 કરોડ રહી હતી. આમ રાજકીય પક્ષોએ માત્ર 23.73 ટકા આવક જાણીતા સ્રોત મારફત ઊભી કરી હતી.