અમેરિકાની વિશ્વવિખ્યાત સ્પેસ એજન્સી નાસાના મૂન મિશન માટે ઇન્ડિયન અમેરિકન અવકાશવિજ્ઞાની રાજા જોન વુર્પુતૂર ચારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાસાએ 2024માં ચંદ્ર પર સમાનવ અવકાશયાન મોકલવાની મહત્ત્વકાંક્ષી યોજના બનાવી છે. આ મૂન મિશન માટે બુધવારે કુલ 18 એસ્ટ્રોનોટની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી અડધી મહિલાઓ છે. આ ટીમમાં રાજા ચારી એકમાત્ર ઇન્ડિયન અમેરિકન છે.
અમેરિકાની સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે મોડર્ન લુનાર એક્સપ્લોરેશન પ્રોગ્રામ હેઠળ 2024માં ચંદ્રની ધરતી પર પ્રથમ મહિલા અને બીજો પુરુષ પગ મુકશે અને દાયકાના અંત સુધીમાં ચંદ્ર પર માનવીય હાજરીની શક્યતાઓ ચકાસશે.
43 વર્ષીય રાજા ચારી 2017માં નાસાના એસ્ટ્રોનોટ કોર્પમાં જોડાયા હતા. મૂળ હૈદરાબાદના રાજા ચારીના પિતા શ્રીનિવાસ ચારી અમેરિકા ગયા હતા. રાજાએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરીને એસ્ટ્રોનોટ એંજિનિયરની ડિગ્રી મેળવી હતી.
રાજા ચારી યુએસ એર ફોર્સ એકેડમી, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી અને યુએસ નેવલ ટેસ્ટ પાઇલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે. 2017માં એસ્ટ્રોનેટ કેન્ડિડેટ ક્લાસ માટે નાસાએ રાજા ચારીની પસંદગી કરી હતી. તેઓ ઓગસ્ટ 2017માં ફરજ પર જોડાયા હતા અને પ્રારંભિક એસ્ટ્રોનોટ કેન્ડિડેટ ટ્રેનિંગ પૂરી કરી છે અને હવે મૂન મિશન માટે પાત્રતા ધરાવે છે.
મૂન મિશન માટે પસંદ કરવામાં આવેલા મોટા ભાગના એસ્ટ્રોનોટ 30થી 40 વર્ષની વયજૂથમાં આવે છે. સૌથી મોટા 55 વર્ષના અને સૌથી નાના 32 વર્ષના છે.