અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી આકૃતિ ટાઉનશીપમાં બુધવારે સવારથી લઈને બપોર સુધીના સમયમાં એક પછી એક 66 જેટલા કબૂતરોના ટપોટપ મોત થતાં ટાઉનશીપના લોકોમાં બર્ડફલૂના સંભવિત ભયને જોતા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ જિલ્લા પંચાયત ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તાકીદે આકૃતિ ટાઉનશીપ દોડી ગઈ હતી. મોટી સંખ્યામાં કબૂતરોનાં મોતને જોતા પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળેથી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. બર્ડ ફ્લૂની આશંકાને ધ્યાને લઇને વિસ્તારમાં સેનેટાઇઝેશન અને ફોગિંગ કરાયું હતું.
બીજી તરફ અધિકારીઓએ જણાવ્યું હતું કે બે દિવસમાં ભોપાલથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઘટનાસ્થળની નજીકમાં ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. તેથી ટોક્સિનયુક્ત ચીજ ખાધી હોવાથી પણ કબૂતરોના મોત થવાની શંકા દર્શાવવામાં આવી હતી.
