અભિનેતામાંથી રીક્લેઇમ પક્ષના રાજકારણી બનેલા લોરેન્સ ફોક્સે સોશિયલ મીડિયા પર ભૂતપૂર્વ બિગ બ્રધર સ્ટાર અને ગુડ મોર્નિંગ બ્રિટનના ટીવી પ્રેઝન્ટર નરિંદર કૌરનો અપસ્કર્ટ ફોટોગ્રાફ શેર કર્યા પછી કૌરે પીડા અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ધ ટાઇમ્સમાં લખતા, કૌરે કહ્યું હતું કે ‘’જ્યારે પણ હું સોશિયલ મીડિયા પર કોઇ પોસ્ટ કરુ છું કે તુરંત જ લોકો મારી અપસ્કર્ટ ઇમેજના સ્ક્રીનશોટનો બોમ્બમારો કરે છે. પોલીસ તરફથી મને કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી અને મને લાગે છે કે હું ‘ફોબ્ડ’ થઇ છું.”
કૌરે આ ઘટનાની જાણ મેટ્રોપોલિટન પોલીસને કરતા મે મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ફોક્સની પોસ્ટની પોલીસે તપાસ શરૂ કરી હતી. અપસ્કર્ટિંગ ફોજદારી ગુનો બનતા ફોટો એજન્સીના આર્કાઇવ્સમાંથી ફોટોને કથિત રીતે દૂર કરવામાં આવ્યો હતો, જો કે ફોક્સે તેના 500,000 ફોલોઅર્સને ફોટો શેર કર્યો હતો.
એક્ટિવિસ્ટ અને લેખક જીના માર્ટિન દ્વારા 18 મહિનાની લાંબી ઝુંબેશને પગલે એપ્રિલ 2019માં વોયુરિઝમ (ગુનાઓ) એક્ટ હેઠળ અપસ્કર્ટિંગ ફોજદારી ગુનો બની ગયો હતો.