(iStock)

53 વર્ષીય નરિન્દર કૌરે 1,000થી વધુ હાઈ સ્ટ્રીટ સ્ટોર્સની સિસ્ટમમાં છટકબારી શોધીને ચોરી કરેલા સામાનનું રિફંડ મેળવી £500,000ની છેતરપીંડી આચરી હોવાનું બહાર આવતા તેને નોંધપાત્ર જેલની સજા થઇ શકે છે. કૌરે પોતાની બુદ્ધિ વાપરી ચાલાકી કરી દુકાનો, બેંકો, વકીલો અને અદાલતોને પણ છેતર્યા હતા. ગ્લોસ્ટર ક્રાઉન કોર્ટમાં ગત નવેમ્બરમાં તેમની ટ્રાયલ શરૂ થઈ હતી.

મૂળ વુસ્ટરની વતની અને ક્લેવરટન, વિલ્ટશાયરમાં રહેતી કૌરની ધરપકડ કરી જથ્થાબંધ ઠગાઇનો આરોપ મૂકાયા બાદ તેણે તબીબી એપોઇન્ટમેન્ટના બહાને જામીનની શરતો બદલવા માટે કોર્ટમાં ખોટું બોલ્યું હતું જેથી તે ચોરી કરવાનું ચાલુ રાખી શકે.

કોર્ટમાં સૌથી લાંબા મનાતા ચાર મહિનાના ટ્રાયલ બાદ ગત શુક્રવારે કૌરને છેતરપિંડીના 14 આરોપો, મની લોન્ડરિંગના બે, ગુનાની કમાણી રાખવાના ચાર, છેતરપિંડીના કાવતરાના એક અને ન્યાયના માર્ગને વિકૃત કરવાના ચાર આરોપો સહિત કુલ 25 ગુનાઓ બદલ દોષીત ઠેરવવામાં આવી હતી.

જજ ઈયાન લોરી, કેસીએ તેણીને સજા કરાય ત્યાં સુધી કસ્ટડીમાં રિમાન્ડ આપ્યો હતો. કૌરે તેના કાયદેસરના નામ નીના ટિયારાથી બદલીને કૌર કર્યું હતું.

કૌર પોતે ચોરેલ સામાન જે તે સ્ટોરમાં લઇ જઇને કહેતી હતી કે તેની પાસે રીસીપ્ટ નથી પરંતુ તે તેના બદલામાં બીજો માલ-સામાન ખરીદવા માંગે છે. ખરીદેલા સામાનની સાથે મળતી રીસીપ્ટનો ઉપયોગ કરીને તેણી નવો ખરીદેલો સામાન પરત કરી તેટલી રકમનું રિફંડ મેળવી લેતી હતી.

કૌરે આ રીતે બૂટ્સ, ડેબેનહેમ્સ, હોમબેઝ, જ્હોન લુઇસ, હાઉસ ઓફ ફ્રેઝર, મોનસૂન, એમ એન્ડ એસ અને ટીકે મેક્સની શાખાઓને નિશાન બનાવી હતી.

પોલીસે તેણીના બેંક અને ક્રેડિટ કાર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ કરતા રિફંડનો ઇતિહાસ મળી આવ્યો હતો. કૌરે સૉલિસિટર્સની આઠ ફર્મ સાથે પણ છેતરપિંડી કરી હતી. સ્વિંડનના ડ્યુનેલ્મ ખાતે રિફંડ મેળવવાનો પ્રયાસ કરતી વખતે શંકા જતાં તેની ધરપકડ કરાઇ હતી. પોલીસે તેના ઘરની તલાશી લેતા સામાનથી ભરેલી 49 શોપિંગ બેગ અને £108,000 રોકડા મળી આવ્યા હતા. તો આસ્ડા સ્ટોરમાં ઠગાઇ કરવા જતાં પોલીસને કેરિયર બેગમાંથી £4,000 રોકડા અને ઘરમાંથી કુલ £38,000 મળી આવ્યા હતા.

LEAVE A REPLY