વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કોરોના વાયરસના ચેપથી બચવા માસ્ક પહેરવા જાહેર અપીલ કરી હતી. તેમણે સૌને સુતરાઉ કાપડના ટૂકડા કે ખાદીના હાથ રૂમાલનો ઉપયોગ કરી માસ્ક રૂપે પહેરવા ભાર મુક્યો હતો.
શનિવારે મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સ વખતે સ્વયં આવો સાદો માસ્ક પહેરી એક રીતે લોકોને સંદેશો આપી રહ્યા છે કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોઈ મોંઘાદાટ માસ્ક ખરીદવાની જરૂર નથી. માસ્ક તરીકે સુતરાઉ કાપડનો ટુકડો અને હાથ રૂમાલ પણ કરી શકાય છે.
લોકડાઉનના મામલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચાલી રહેલી આ બેઠકને ખાસ ગણવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખતા દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે હજી પણ આગળ લંબાવાય તેવી શક્યતાઓ લાગી રહી છે. બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ પર પ્રેઝન્ટેશન પણ આપ્યું છે. વડાપ્રધાન મોદી અને તમામ મુખ્યમંત્રીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો છે.
બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું કે તમે 24*7 તમારું મંતવ્ય મારી સમક્ષ રજૂ કરી શકો છો. કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે મને કોરોનાને કાબુમાં લેવા માટે યોગ્ય લાગે તેવા તમામ ઉપાય બતાવી શકો છો.