પોતાનું જીવન સમાજના લોકોને મદદ કરવા માટે સમર્પિત કરનાર લેસ્ટરના સામાજીક અગ્રણી નારણદાસ અડતિયાનું 94 વર્ષની વયે ગુરુવાર, 13 એપ્રિલના રોજ શાંતિપૂર્ણ અવસાન થયું હતું.
લેસ્ટરના હિન્દુ સમુદાયમાં ‘બાપુજી’ના નામે જાણીતા નારણદાસ આડતીયા હિન્દુ સમુદાયના લોકોના નિધન વખતે તેમના અંતિમ સંસ્કાર વખતે કરાતી પ્રાર્થના અને સર્વિસ માટે જાણીતા હતા. નારણદાસે ઘણાં પરિવારો માટે અંતિમ સંસ્કારની વ્યવસ્થા અને પોતાની સેવાઓ કોઇ પણ ચાર્જ લીધા વગર આપી હતી.
નારણદાસભાઇએ 34 વર્ષ પહેલાં તેમના સસરા એટલે કે પત્ની ઈન્દુબેનના પિતાના અવસાન વખતે સૌપ્રથમ હિન્દુ અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કર્યું હતું. તે પછી આજ દિન સુધીમાં
5,500થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કર્યા હતા અને હજારો જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરી હતી.
બાપુજીએ શોકગ્રસ્ત હિન્દુ પરિવારો માટે કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન ઓનલાઇન પ્રાર્થના અને સમારંભો પણ યોજ્યા હતા. તો અંતિમ સંસ્કાર વખતે કરાતી હિન્દ પ્રાર્થનાઓને રેકોર્ડ કરી પ્રસારિત કરી હતી જેથી તેનો મફતમાં ઉપયોગ કરી શકાય.
ચાર સંતાનોના પિતા નારણદાસભાઇએ પોતાના જીવનકાળ દરમિયાન લેસ્ટરના શ્રી રામ મંદિર લેસ્ટર સહિત વિવિધ હિંદુ મંદિરોમાં પ્રતિષ્ઠિત ભૂમિકાઓ નિભાવી હતી. તો સ્થાનિક રેડિયો સ્ટેશન સબરસ અને સંકર પર પણ કાર્યક્રમો રજૂ કર્યા હતા. વૃદ્ધાવસ્થા હોવા છતાં તેમણે મોટાભાગના સમાજ સેવાના કાર્યો ચાલુ રાખ્યા હતા.
નારણદાસ અડતિયાને તેમના સેવા કાર્યો માટે અને તેમના પૌત્રી રૂપાબેન અડાતિયાને લોરોસ હોસ્પીસ માટે ફંડ એકત્ર કરવાની સેવાઓ માટે લેસ્ટરના લોર્ડ મેયર મંજુલા સૂદ દ્વારા સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત પણ નારણદાસને સેવા કાર્યો બદલ અસંખ્ય એવોર્ડ્ઝ અને પુરસ્કારો એનાયત કરાયા હતા.
નારણદાસ આડતિયાનો ઉછેર કેન્યામાં થયો હતો અને માત્ર 10 વર્ષની ઉંમરે તેમણે પોતાની માતાને ગુમાવ્યા હતા. માના મરણ બાદ તેમણે પોતાના ચાર નાના ભાઈ-બહેનોની જવાબદારી ઉઠાવી શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું અને પરિવારની મદદ કામકાજ શરૂ કર્યું હતું. શ્રી અડાતિયા 1970ના દાયકામાં કેન્યાના નકુરૂથી લેસ્ટર આવીને વસ્યા હતા.
તા. 21 એપ્રિલના રોજ સ્થાનિક સમુદાયના સભ્યોની વિનંતીને પગલે નારણદાસના દેહને શ્રી દરજી જ્ઞાતી મંડળ, વિકારેજ લેન, બેલગ્રેવ આદર આપવા લવાયો હતો અને બપોરે 3 વાગ્યે ગિલરોસ ક્રેમેટોરિયમમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. નારણદાસને એક સભામાં હજારથી વધુ લોકોએ તેમને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી તો અંતિમક્રિયામાં હજારો લોકો ઓનલાઈન જોડાયા હતા.
તેઓ પોતાની પાછળ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.