નમસ્તે ટ્રમ્પના સૂત્ર સાથે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરાયું ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત એક લાખથી વધુ લોકોેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રેસિડેન્ટ ટ્રમ્પને હર્ષનાદોથી વધાવી લીધા હતા. બન્ને નેતાઓએ સંબોધનમાં પરસ્પરની તેમજ બન્ને દેશોની અને અમેરિકામાં વસતા ભારતીયોની અમેરિકાના વિકાસમાં પ્રદાનની ભરપૂર પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાને ભારત પ્રત્યે પ્રેમ છે, આદર છે. મંગળવારે દિલ્હીમાં મોદી – ટ્રમ્પની મંત્રણા પછી અમેરિકા પાસેથી ત્રણ બિલિયન ડોલરના ખર્ચે સંરક્ષણના હેતુસર 30 હેલિકોપ્ટર ખરીદવાનો સોદો થયાની જાહેરાત કરાઈ હતી. ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે ટ્રમ્પે મોદી ઉપર યોગ્ય કરવાનો ભરોસો મુક્યો હતો, તો વિવાદાસ્પદ બનેલા સીએએ મુદ્દે કહ્યું હતું કે તે ભારતનો આંતરિક મુદ્દો છે.
ટ્રમ્પે બોલિવુડની ફિલ્મો અને ભારતીય ક્રિકેટરોના પ્રભાવની વાત કરી હતી, તો ભારતના અવકાશ કાર્યક્રમની સફળતાની પણ વાત કરી હતી. તેઓએ એવી ખાતરી પણ આપી હતી કે અમેરિકા ભારતનું વફાદાર મિત્ર બની રહેશે અને ભારત – અમેરિકા સાથે મળીને ઈસ્લામિક ત્રાસવાદનો મુકાબલો કરશે. અમદાવાદમાં તેમના ભવ્ય સ્વાગત કાર્યક્રમના એક ભાગરૂપે 22 કિ.મી.નો શાનદાર રોડ શો પણ યોજાયો હતો. એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. પ્લેનમાંથી નીચે ઉતરતાં જ મોદી ટ્રમ્પને ભેટી પડ્યા હતા અને તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારતા ભારત અને અમેરિકાના સંબંધોને એક નવી ટોચે લઈ જવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પ સહ પરિવાર ગુજરાત મુલાકાતે આવ્યા હોવાથી ભારત સાથે તેમનો સંબંધ એક પરિવાર જેવો છે તેમ મોદીએ જણાવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનનો પ્રારંભ નમસ્તે કહીને કર્યો હતો. તેમણે પીએમ મોદીને એક અસાધારણ નેતા ગણાવ્યા. અમેરિકા હંમેશા ભારતનો એક વિશ્વાસપાત્ર મિત્ર દેશ રહેશે. ગુજરાતમાં અને ભારતમાં અમારા ભવ્યાતિભવ્ય સ્વાગત બદલ ધન્યાવાદ. ટ્રમ્પે જણાવ્યું કે, પીએમ મોદીએ પોતાના જીવનથી સાબિત કરી દીધું છે કે ભારતીયો દ્રઢ નિશ્ચચ કરી લે છે તો પછી તેઓ કોઈ પણ લક્ષ્ય પામી શકે છે.
ભારતમાં આગામી એક દાયકામાં ગરીબી નાબૂદ થઈ જશે. દર મિનિટે 12 લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રમ્પના મતે ભારત અને અમેરિકાની મૈત્રી કુદરતી છે અને તે મજબૂત તેમજ ટકાઉ છે.
કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો બસમાં બેસીને સ્ટેડિયમ પહોંચ્યા
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનો તથા ગુજરાત ભાજપના સાંસદો અને ધારાસભ્યો ખાસ બસોમાં મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. ગાંધીનગરથી ભાજપના તમામ MLA નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં હાજરી આપવા બસમાં જવા રવાના થયા હતા. તેમાં કેન્દ્રીય પ્રધાનો મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, સહિતના પ્રધાનો રવાના થયા હતા. દંડક પંકજ દેસાઈ પણ જોડાયા હતા. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો માટે પણ બસની વ્યવસ્થા કરાઈ હતી.
એનઆરઆઇ મહેમાનો, 2500 ઉદ્યોગપતિઓ પણ બસમાં ગયા
કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકાથી આવેલા 5 NRI ઉદ્યોગપતિઓ, સુરતથી આવેલા 300 ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા 250 ઉદ્યોગપતિઓ જોડાયા હતા ગેસિયા IT એસોસિએશનના 600 મેમ્બર્સ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અને IT એસોસિએશનના 80 સભ્યો જોડાયા હતા. પહેલા 30 બસોમાં બેસીને 1200 ઉદ્યોગપતિઓ GMDC ગ્રાઉન્ડથી સ્ટેડિયમ પહોંચ્યા હતા.ત્યારબાદ બીજા રાઉન્ડમાં અન્ય 35 બસોમાં 1300 મળીને તમામને મોટેરા સ્ટેડિયમ લઈ જવાયા હતા. આમ GMDC ગ્રાઉન્ડથી BRTSની બસોમાં 2500 ઉદ્યોગપતિઓને સ્ટેડિયમ લઈ જવાયા હતા. આ પહેલા તેમને સ્ટેડિયમમાં જવા માટે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પે ડાર્ક શુટ સાથે યલો ટાઇ, મેલાનિયાએ સફેદ સૂટ પહેર્યો હતો
એરપોર્ટ પર ટ્રમ્પ ફેમિલીનો ફર્સ્ટ લુક જોવા મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે બ્લેક કલરનાં સૂટ સાથે લેમન યલો ટાઈ ટીમઅપ કરી હતી. ટ્રમ્પની ટાઈનો રંગ પણ એક અલગ પ્રકારની વાત રજૂ કરે છે. પશ્ચિમી દેશોમાં લેમન યલો કલર આશાનું પ્રતીક મનાય છે, તેનો મતલબ સ્પષ્ટ છે કે તેમને ભારત પાસેથી ઘણી આશા હશે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પની પત્ની મેલેનિયાએ વ્હાઈટ જમ્પ સૂટ પહેર્યો હતો અને કમર પર બ્રોકેટ ફેબ્રિક ગ્રીન બેલ્ટ બાંધ્યો હતો. સફેદ પહેરવેશ શાંતિનું પ્રતીક ગણાય છે.
ટ્રમ્પની પુત્રી ઈવાન્કા રેડ એન્ડ વ્હાઈટ કલરનાં લોન્ગ વનપીસ ફ્રોકમાં નજરે પડી હતી. ભારતના પીએમ મોદીએ તમામ પ્રોટોકોલ તોડી અમેરિકન પ્રેસિડેન્ટનું સ્વાગત કર્યું હતું.
પીએમ મોદીએ સફેદ કુર્તા પાયજામા પર લાઈટ બ્રાઉન કોટી પહેરી હતી. તેમણે પ્રમુખને ભેટી અભિવાદન કર્યું હતું.