મહંમદ પયગંબર સાહેબ અંગેની ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીના વિરુદ્ધમાં મુસ્લિમોએ શુક્રવારની નમાઝ પછી દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ સહિતના દેશના વિવિધ શહેરોમાં ભારે વિરોધી દેખાવો કર્યા હતા. કેટલાંક શહેરોમાં પથ્થરમારાના બનાવો પણ બન્યાં હતા. ભાજપના બે નેતાઓ નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલની તાજેતરમાં પયગંબર સાહેબ અંગેની ટીપ્પણીના મુસ્લિમ દેશોમાં પણ આકરા પડઘા પડ્યા હતા.
દિલ્હીની જામા મસ્જિદમાં નૂપુર શર્માનો વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકો શુક્રવારની નમાજ અદા કર્યા બાદ મોટી સંખ્યામાં બેનરો અને પોસ્ટર લઈને પહોંચ્યા હતા. જેમાં નુપુર શર્મા અને નવીન જિંદાલની તસવીરો લગાવામાં આવી હતી અને પ્રદર્શનકારીઓ નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહીની માંગણી કરી હતી.
દિલ્હીની જામા મસ્જિદથી લઈને કોલકાતા અને યુપીના અનેક શહેરોમાં નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા.ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને હાવડામાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વળતી કાર્યવાહીમાં પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો હતો. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ સિવાય દેવબંદ, પ્રયાગરાજ અને સહારનપુરમાં પણ ભારે હંગામો થયો હતો. પોલીસે દેવબંદમાં દેખાવકારોને અટકાયતમાં લીધા હતા.