નાગાલેન્ડમાં સુરક્ષા દળોએ ભૂલથી ઉગ્રવાદી સમજીને કરેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 13 ગ્રામજનોના મોત થયા હતા. ભારતના સુરક્ષા દળો નાગાલેન્ડના ભારત-મ્યાનમાર સરહદ નજીક આવેલા જિલ્લામાં ઉગ્રવાદી વિરોધી અભિયાન ચલાવી રહ્યાં છે ત્યારે માન જિલ્લાના ઓટિંગ અને તીરુ ગામો વચ્ચે શનિવારે આ દુર્ઘટના બની હતી,એમ સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરશે. આ ઘટનામાં એક સૈનિકનું પણ મોત થયું હતું.
નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફિયુ રિયોએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ જણાવી હતા અને સુરક્ષાના આદેશ આપ્યા હતા. સુરક્ષાદળોએ કઈ સ્થિતિમાં અને કયા કારણોસર ગોળીબાર કર્યો તેની વિગતવાર માહિતી હજી નથી મળી શકી. નાગાલેન્ડના સ્થાનિક મીડિયા દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરક્ષાદળો ઉગ્રવાદીઓ વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા હતા, આ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યુ હતું.
અસમ રાઈફલ્સના અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઓપરેશનમાં સુરક્ષાદળના જવાનોને પણ ગંભીર ઈજા થઈ છે, અને એક સૈનિકનું મૃત્યુ પણ થયું છે. અસમ રાઈફલ્સના અધિકારીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, નાગાલેન્ડના ઓટિંગ, મોન જિલ્લામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે હું વ્યથિત છું. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય એસઆઈટી આ ઘટનાની તપાસ કરશે જેથી પીડિત પરિવારોને ન્યાય સુનિશ્ચિત કરી શકાય.