સોમવારે રાત્રે ટૉકટીવી સાથે વાત કરતાં, ભૂતપૂર્વ કલ્ચરલ સેક્રેટરી નાદિન ડોરિસે દાવો કર્યો હતો કે તેણીને નંબર 10 દ્વારા “ધમકાવવામાં” આવ્યા પછી સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે સુનક પર “દ્વેષપૂર્ણ અને ક્રૂરતાથી” તેણીના પીઅરેજને અવરોધવાનો આરોપ મૂકી કહ્યું હતું કે “મેં સવારે ચિફ વ્હીપ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે ‘ના, બધું બરાબર છે’. પણ યાદી પ્રકાશિત થયાની 30 મિનિટ પહેલા તેઓ મારી પાસે પાછા આવ્યા હતા અને કહ્યું હતું કે ‘ખરેખર, તમે આ યાદીમાં નથી.’
જો કે સુનકે સાંસદોની લોર્ડ્ઝ તરીકેની વરણીને અવરોધિત કરવાના હાઉસ ઓફ લોર્ડ્સ એપોઇન્ટમેન્ટ કમિશન (હોલેક)ના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘’જૉન્સને મને હોલેક સમિતિને રદબાતલ કરવા અથવા લોકોને વચન આપવા કહ્યું હતું જે હું કરવા તૈયાર ન હતો. મને નથી લાગતું કે તે યોગ્ય હતું.”
પણ જૉન્સને કલાકોમાં જ વળતો પ્રહાર કરીને કહ્યું હતું કે “ઋષિ સુનક બકવાસ કરે છે. સાથીદારોનું સન્માન કરવા માટે હોલેકને રદબાતલ કરવાની જરૂર ન હતી, ફક્ત તેમાં સુધારો કરવાનો હતો.’’
ડાઉનિંગ સ્ટ્રીટના સ્ત્રોતે જણાવ્યું હતું કે કેબિનેટ ઓફિસે જૉન્સન સમક્ષ સ્પષ્ટ કરી દીધું હતું કે ફરીથી ચકાસણીની કોઈ પ્રક્રિયા નથી. જ્યારે વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે યાદીમાંથી સુનક અથવા તેમની નંબર 10 ટીમે નામો હટાવ્યા હતા તે “સંપૂર્ણપણે અસત્ય” છે.