પી.પી.ઇ.ની તંગી વિશે વાત કરવા બદલ લેબર સાંસદ નાદિયાને કેરરની નોકરીમાંથી પાણીચુ

0
787

નોટીંગહામ ઇસ્ટના લેબર સાંસદ અને લગભગ એક મહિનાથી લાર્ક હિલ રીટાયરમેન્ટ હોમમાં કામ કરતા કેરર નાદિયા વ્હિટોમ પોતાના કેર વર્કર તરીકેના અનુભવનો લાભ આપવા નોકરીમાં પાછા ફર્યા હતા પરંતુ પી.પી.ઇ.ની તંગી વિશે સ્ટાફની સલામતી અંગેની ચિંતા વ્યક્ત કર્યા બાદ તેમને નોકરી ગુમાવવી પડી છે.

નાદિયા વ્હિટોમ એક્સ્ટ્રા કેર ચેરીટેબલ ટ્રસ્ટ માટે કામ કરતા હતા પરંતુ મંગળવાર તા. 5ના રોજ તેમને ટિપ્પણીઓને લીધે જવું પડ્યું હતુ. જો કે તેમણે કદી પી.પી.ઇ.ના અભાવ માટે કંપનીને દોષીત ઠેરવી ન હતી.

પરંતુ તેમણે જણાવ્યુ હતુ કે “પી.પી.ઇ. અને ટેસ્ટના અભાવ વિશે પ્રમાણિકપણે બોલવુ તેમની ફરજ હતી. જે લોકોના જીવનને જોખમમાં મુકે છે. રહેવાસીઓ માટે જોખમી છે. ”

એક ઇમેઇલમાં તેમને કહેવામાં આવ્યું હતું કે ‘’હવેથી કેર હોમમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવશે નહીં, કારણ કે તેણીએ પી.પી.ઇ.ની તંગી અંગેની ચિંતા અને કર્મચારીઓ અને રહેવાસીઓની સલામતી વિશે મીડિયા સાથે વાત કરી હતી.

નાદિયાએ દેશભરના તમામ કેર વર્કર્સને કોવિડ-19 કટોકટી દરમિયાન બોલવા માટે ધમકી અપાઇ હોય, ચૂપ કરાયા હોય કે શિસ્તની કાર્યવાહી કરાઇ હોય તો તેમના અનુભવો લખવા જણાવ્યુ છે.

માત્ર 23 વર્ષના કુ. નાદિયા ડિસેમ્બરમાં ચૂંટાઈ આવ્યા હતા અને હાઉસ ઑફ કૉમન્સમાં સૌથી યુવા સાંસદ છે. તેમની એક સાથીએ મિરરને કહ્યું હતુ કે “નાદિયા સાંસદ તરીકે નહિ પણ એક કેરર તરીકે પાછા આવી હતી, તેણી એક સંભાળ રાખનાર, દયાળુ, આધ્યાત્મિક મહિલા છે જે ક્યારેય ભૂલી નહોતી. એક ઉત્તમ દેખભાળ કરનાર કાર્યકરને બરતરફ કરવામાં આવી છે જે અંગે અમે દ્વિધામાં મુકાયા છીએ.