બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે મિનિસ્ટરીયલ કોડના “ગંભીર ઉલ્લંઘન” અને ટેક્સ પેનલ્ટી વિવાદ બાદ રવિવારે ઈરાકમાં જન્મેલા 55 વર્ષીય ભૂતપૂર્વ ચાન્સેલર, પોર્ટફોલિયો વગરના કેબિનેટ મિનિસ્ટર અને કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ નદિમ ઝહાવીને બરતરફ કર્યા હતા. ઝહાવીને HM રેવન્યુ અને કસ્ટમ્સ સાથેના £4.8 મિલિયનના પેનલ્ટી સેટલમેન્ટ માટે સંમત થયા બાદ તેમના ટેક્સ વિવાદો માટે રાજીનામું આપવા ઉગ્ર દબાણનો સામનો કરવો પડ્યો હતો.
સુનકે ઝહાવીને બરતરફ કરતા પહેલા કર બાબતની સ્વતંત્ર તપાસનો આદેશ આપ્યા બાદ તેમના ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ એડવાઇઝર સર લૌરી મેગ્નસે મિનિસ્ટરીયલ કોડ અંગેનુ તેમનું એસેસમેન્ટ સબમિટ કર્યું હતું.
ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા પ્રકાશિત કરાયેલા અને સુનકે ઝહાવીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “જ્યારે હું ગયા વર્ષે વડા પ્રધાન બન્યો, ત્યારે મેં વચન આપ્યું હતું કે હું જે સરકારનું નેતૃત્વ કરું છું તે દરેક સ્તરે પ્રામાણિકતા, પ્રોફેશનલીઝમ અને જવાબદારીનું પાલન કરશે. સ્વતંત્ર સલાહકારની તપાસ પૂર્ણ થયા પછી તેમણે જે તારણો મારી સાથે શેર કર્યા છે – તે જોતાં સ્પષ્ટ થાય છે કે મિનિસ્ટરીયલ કોડનો ગંભીર ભંગ થયો છે. પરિણામે, મેં તમને દૂર કરવાના મારા નિર્ણયની તમને જાણ કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં આપની સરકારમાં વ્યાપક શ્રેણીની સિદ્ધિઓ માટે અત્યંત ગર્વ હોવો જોઈએ, ખાસ કરીને હું COVID-19 રસીકરણ કાર્યક્રમની સફળ દેખરેખનો શ્રેય આપને આપુ છું.’’
29 જાન્યુઆરીના રોજ આપેલા અહેવાલમાં મેગ્નસે જણાવ્યું હતું કે “વડા પ્રધાન તરીકે સુનક તેમની સરકારમાં સેવા આપનારાઓ પાસેથી જે યોગ્ય અપેક્ષા રાખે છે તેમાં મિસ્ટર ઝહાવીનું મિનિસ્ટર તરીકેનું વર્તન ઉચ્ચ ધોરણોથી નીચે આવ્યું છે. 15 સપ્ટેમ્બર 2021ના રોજ એજ્યુકેશન મિનિસ્ટર તરીકે નિમણૂક થતા પહેલાં HMRC દ્વારા તપાસ શરૂ થઇ હતી. પરંતુ ઝહાવી HMRCની ચાલુ તપાસ અંગે જાહેરાત કરવામાં નિષ્ફળ રહ્યા હતાં. તે પછી પણ તેઓ મિનિસ્ટર તરીકે કર બાબતો અને HMRC તપાસની ઘોષણા કરવામાં નિષ્ફળ ગયા હતા. તે પછી સપ્ટેમ્બરથી ઑક્ટોબર 2022 દરમિયાન તેમની સરકારની નિમણૂક પ્રક્રિયામાં પણ ઝહાવી સંબંધિત માહિતી જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા.’’
આ અઠવાડિયાની શરૂઆતમાં ઝહાવીએ કહ્યું હતું કે ‘’હું તપાસનું સ્વાગત કરૂ છું. મેગ્નસને આ મુદ્દાની હકીકતો સમજાવવા માટે આતુર છું. આ કેસમાં મેં સમગ્ર રીતે યોગ્ય રીતે કાર્ય કર્યું છે અને કોઈપણ કર ભૂલ “બેદરકાર” અને ઇરાદાપૂર્વકની ન હતી.’’
આ અગાઉ વિરોધ પક્ષો અને કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક સભ્યોએ પણ ઝહાવીને ટોરીના ચેરમેન પદેથી રાજીનામું આપવાની હાકલ કરી હતી.
લેબરના શેડો એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપ્સને જણાવ્યું હતું કે ‘’ઝહાવીને લાંબા સમય પહેલા બરતરફ કરી દેવા જોઈતા હતા પરંતુ વડા પ્રધાન “આ કાર્ય કરવા મટે ખૂબ નબળા” હતા. લિબરલ ડેમોક્રેટ ડેપ્યુટી લીડર ડેઝી કૂપરે કહ્યું હતું કે ‘’ઝહાવીએ સાચી વસ્તુ કરવી જોઈએ અને સાંસદ તરીકે રાજીનામું આપવું જોઈએ.’’