ટોરી પાર્ટીના ચેરમેન અને પૂર્વ ચાન્સેલર નદિમ ઝહાવીએ ચાન્સેલર હતા ત્યારે મલ્ટી-મિલિયન પાઉન્ડના કર વિવાદના ભાગરૂપે અગાઉના અવેતન કર પર HMRCને દંડ ચૂકવ્યો હોવાના અહેવાલો બાદ વડા પ્રધાન ઋષિ સુનકે નદિમ ઝહાવીના કર અંગેના વિવાદો પર તપાસ કરવા આદેશ આપ્યો છે. વિરોધ પક્ષો તરફથી ઝહાવીને રાજીનામું આપવા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેમણે કહ્યું હતું કે ‘’મને આત્મવિશ્વાસ છે કે મેં સમગ્ર રીતે યોગ્ય કામ કર્યું છે”.
શ્રી સુનકે પત્રકારોને કહ્યું હતું કે ‘’મારા માટે અખંડિતતા અને જવાબદારી ખરેખર મહત્વપૂર્ણ છે અને સ્પષ્ટપણે આ કેસ પર ઉભા થયેલા પ્રશ્નોના જવાબની જરૂર છે. તેથી જ મેં અમારા તેમના ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ એડવાઇઝરને દરેક બાબતના તળિયા સુધી પહોંચવા, મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને તમામ તથ્યો સ્થાપિત કરવા અને નાધિમ ઝહાવીએ મિનિસ્ટરીયલ કોડનું પાલન કર્યું છે કે કેમ તે અંગે મને સલાહ આપવા કહ્યું છે. શ્રી ઝહાવી તપાસ દરમિયાન ટોરી પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે અને તેઓ સંપૂર્ણ સહકાર આપવા સંમત થયા છે.’’
એક નિવેદનમાં, શ્રી ઝહાવીએ જણાવ્યું હતું કે ‘’હું આ તપાસનું સ્વાગત કરૂ છું અને વડા પ્રધાનના સ્વતંત્ર સલાહકાર સર લૌરી મેગ્નસને આ મુદ્દાની હકીકતો સમજાવવા માટે આતુર છું. હું કન્ઝર્વેટિવ અને યુનિયનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી ફરજો ચાલુ રાખતો હોવાથી આ પ્રક્રિયાની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે આ મુદ્દા પર વધુ ચર્ચા કરવી અયોગ્ય રહેશે.’’
શ્રી ઝહાવીએ પુષ્ટિ કરી કે તેમણે 2000માં સાંસદ બન્યા પહેલાં સહ-સ્થાપિત યુગોવના શેરહોલ્ડિંગ સાથે સંબંધિત HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (HMRC) સાથેના ટેક્સ વિવાદનું સમાધાન કરવા માટે ચૂકવણી કરી છે. તેઓ ચાન્સેલર હતા ત્યારે આ વિવાદ ગયા વર્ષે જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે ઉકેલાઈ ગયો હતો અને HMRCને દંડ સહિત લગભગ £5 મિલિયનની કુલ રકમ ચૂકવવામાં આવી હતી. ઝહાવીએ તેમના પર બાકી રહેલો ટેક્સ તેમજ 30% પેનલ્ટી પણ ચૂકવી હતી. HMRCએ સ્વીકાર્યું હતું કે ભૂલ “બેદરકારીની અને ઇરાદાપૂર્વકની ન હતી”.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’નદીમ ઝહાવી રાજીનામું આપવાના નથી અને વડા પ્રધાને તેમને બરતરફ કરવા જોઈએ. તપાસ શરૂ કરવી “પર્યાપ્ત નથી” અને ઝહાવી ટોરી પાર્ટીના ચેરમેન તરીકે રહી શકે નહીં. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને શ્રી સુનક પર તપાસ શરૂ કરીને “[મુદાને] લાંબા ઘાસમાં લાત મારવાનો” આરોપ મૂકી ઝહાવીને રાજીનામું આપવા કે બરતરફ કરવા જોઈએ તેમ જણાવ્યું હતું. લિબરલ ડેમોક્રેટ્સે પણ તેમને બરતરફ કરવા અથવા તપાસ ચાલુ હોય ત્યાં સુધી સસ્પેન્ડ કરવા હાકલ કરી હતી.