સ્પેનિશ ટેનિસ સ્ટાર અને ક્લે કોર્ટનો કિંગ ગણાતો રફેલ નાડાલ આગામી તા. 28મી મે થી શરુ થઈ રહેલી સિઝનની બીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા – ફ્રેન્ચ ઓપનમાં ઈજાના કારણે નહીં રમે. નાડાલને કમરની ઈજા સતાવી રહી છે અને આ કારણે તેણે પોતાની સૌથી ફેવરિટ ક્લે કોર્ટ ગ્રાન્ડ સ્લેમ – ફ્રેન્ચ ઓપનમાં નહીં રમવાનું નક્કી કર્યું હતુ. 36 વર્ષના નાડાલે ભારે હૈયે આ જાહેરાત કરતાં એમ પણ કહ્યું હતું કે, 2024નું વર્ષ મારી કારકિર્દીનું આખરી વર્ષ બની શકે છે.
ટેનિસમાં છેલ્લા બે દશકથી છવાયેલો રહેલો નડાલ સૌથી વધુ 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ સંયુક્તપણે યોકોવિચ સાથે ધરાવે છે. રસપ્રદ બાબત એ છે કે નાડાલના 22 ગ્રાન્ડ સ્લેમમાં 14 ફ્રેન્ચ ઓપન ટાઈટલ છે. તે ગત વર્ષે પણ ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બન્યો હતો.
તેણે કહ્યું હતું કે, હું ફિટનેસ પર ધ્યાન આપવા માગું છુ અને આવતા વર્ષે જોશભેર પુનરાગમન સાથે તમામ ગ્રાન્ડ સ્લેમ અને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની મહેચ્છા છે.