સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે રવિવારે પેરિસમાં વર્લ્ડ રેકોર્ડ 22મા ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટાઈટલ સાથે ફ્રેન્ચ ઓપનનો તાજ પણ હાંસલ કર્યો હતો. ફાઈનલમાં તેણે નોર્વેના રૃડને સીધા સેટમાં ૬-૩, ૬-૩, ૬-૦થી હરાવીને ૧૪મું ફ્રેન્ચ ઓપન ટાઈટલ હાંસલ કર્યું હતુ. નડાલે બે કલાક અને ૧૮ મિનિટના સંઘર્ષમાં સિદ્ધિ નોંધાવી હતી.
સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલમાં નડાલના 22 પછી બીજા ક્રમે રહેલા ફેડરર-યોકોવિચ ૨૦-૨૦ ટાઈટલ વિજેતા છે.
૩૬ વર્ષના નડાલે સૌથી મોટી ઉંમરે ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતવાની સિદ્ધિ પણ નોંધાવી હતી. તેણે કારકિર્દીની ૩૦મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી 22મી વખત ગ્રાંડ સ્લેમનો અને એકંદરે ૯૨મો તાજ ધારણ કર્યો હતો. તેનો ૨૪ વર્ષનો નોર્વેજીયન હરીફ કાસ્પર રૂડ કારકિર્દીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ યાદગાર બનાવી શક્યો નહોતો. ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમનારો તે નોર્વેનો સૌપ્રથમ મેન્સ સિંગલ્સ પ્લેયર બન્યો હતો.
એક વિશિષ્ટ રેકોર્ડમાં નડાલ આજસુધી ફ્રેંચ ઓપન ફાઇનલમાં હાર્યો નથી.નડાલે શરૂઆતથી જ મેચ પર પકડ જમાવી હતી. તે રેડ ક્લેનો બાદશાહ ગણાય છે અને અહીં 100થી વધુ મેચમાં વિજેતા રહ્યો છે.
નડાલે આ પહેલાં 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020 માં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ મેળવ્યું હતું. આ વર્ષે તેમણે ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ પણ પોતાના નામે કર્યો હતો.તેણે 2005માં 19 વર્ષની ઉંમરે પહેલીવાર આ ખિતાબ જીત્યો હતો અને ત્યારથી ફ્રેન્ચ ઓપનમાં તેનો દબદબો યથાવત છે.