સ્પેનિશ ટેનિસ ખેલાડી રફેલ નડાલે રવિવારે (30 જાન્યુઆરીએ) ઇતિહાસ સર્જી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની એપિક કહી શકાય તેવી ફાઈનલમાં રશિયાના મેડવેડેવને પાંચ સેટના મુકાબલામાં હરાવી 21મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સાથે ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ પણ હાંસલ કર્યો હતો. તે હવે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ હાંસલ કરનારો ટેનિસ જગતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. પહેલા બે સેટમાં પરાજય પછી વિજયની સિદ્ધિ પણ નડાલે 15 વર્ષ પછી પ્રાપ્ત કરી છે.
35 વર્ષના નડાલે અગાઉ વિમ્બલ્ડન 2007ના ચોથા રાઉન્ડમાં યોઝનીને બે સેટથી પાછળ રહ્યા પછી હરાવ્યો હતો. આ ટુર્નામેન્ટ અગાઉ ફેડરર, યોકોવિચ અને નડાલ ત્રણેય 20-20 ગ્રાઉન્ડસ્લેમ ટાઇટલ સાથે બરાબરીએ હતા.
નડાલની આ જીત એ રીતે પણ યાદગાર હતી કે પહેલા બે સેટ ગુમાવ્યા ત્યારે તે એવી રીતે રમતો હતો કે મેડવેડેવ એકતરફી રીતે ત્રણ સેટમાં જ જીતી જશે, પણ નડાલ ફિનિક્સ પંખીની જેમ જાણે રાખમાંથી બેઠો થયો અને જબરજસ્ત સંઘર્ષ સાથે બાકીના ત્રણેય સેટ તેણે જીતી લીધા હતા. પાંચ કલાક 24 મિનિટના દિલધડક મુકાબલામાં નડાલે 2-6, 6-7 (5), 6-4, 6-4, 7-5થી મેડવેડેવને હરાવ્યો હતો.
નડાલની કારકિર્દીનું 2009 બાદ આ બીજું જ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે. 2009માં તેણે ફેડરરને હરાવીને આ તાજ મેળવ્યો હતો. 2012, 2014, 2017 અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં નડાલનો પરાજય થયો હતો. નડાલે બે ઓસ્ટ્રેલિયન ઓપન ઉપરાંત 13 ફ્રેન્ચ ઓપન, બે વિમ્બલ્ડન અને ચાર યુએસ ઓપન ટાઇટલ હાંસલ કર્યા છે.
હજુ ગત સપ્ટેમ્બર સુધી પગના તળિયાની ઇજાને લીધે જમીન પર પગ મૂકીને ચાલી પણ શકતો નહોતો. તેનું ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાનું છેક સ્પર્ધા શરૂ થવાના બે દિવસ પહેલાં, મેચના ડ્રો થઈ ગયા હોવા છતાં નક્કી નહોતું. 2014માં આંતરડાની અને 2018માં ઘૂંટણની સર્જરી છતા તે પૂરેપૂરો ફીટ થઈ શક્યો જ નહોતો ત્યાં તેને પગની અસહ્ય પીડાની તકલીફ શરૂ થઈ હતી.
2019ની યુએસ ઓપનની ફાઈનલમાં પણ નડાલે મેડવેડેવને પાંચ સેટના મુકાબલામાં હરાવ્યો હતો.
ગત વર્ષે વિમ્બલ્ડનમાં થાકને લીધે તેમજ યુએસ ઓપન પગની ઇજાને લીધે નહીં રમી શક્યા પછી નડાલ 2021ના અંતમાં કદાચ નિવૃત્તિ જાહેર કરવાનું વિચારતો હતો. તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમીને ચેમ્પિયન બન્યો તે ચમત્કાર જેવું લાગે છે.