દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં સોમવારે કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. મૃતકો ચીખલી તાલુકાના સમરોલી ગામના રહેવાસી હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ તેમજ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે ગુનો નોંધીને ઘટનાની તપાસ ચાલુ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે પુર ઝડપે દોડતા કન્ટેનર અને CNG કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસે ત્રણ મૃતદેહોને બહાર કઢાયા હતા જ્યારે બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. બનાવને પગલે રાહદારીઓ તેમજ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોનો ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ચીખલી તાલુકાના સમરોલી ગામની યુવતીના લગ્ન નક્કી થતાં પટેલ પરિવાર સુરતથી ખરીદી કરીને પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેનાથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં પ્રફુલ પટેલ (45 વર્ષ), પત્ની મિનાક્ષી પટેલ (42), પુત્ર શિવ પટેલ (20), ઇશા પટેલ (42), રોનક (19) અને દીપ પટેલ (19)નો સમાવેશ થાય છે.