મ્યાનમારમાં નોબેલ વિજેતા આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકાર સામે સોમવારે લશ્કરે બળવો કરીને સત્તા કબજે કરી દીધી હતી. લશ્કરે સુ કી અને તેમની નેશનલ લીગ ફોર ડેમોક્રેટીના બીજા નેતાઓને અટકાયતમાં લીધા હતા. આર્મીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં ગોટાળાને કારણે આ નેતાઓને અટકાયતામાં લેવામાં આવ્યા છે અને એક વર્ષ માટે ઇમર્જન્સી લાદવામાં આવી છે.
મ્યાનમારના લશ્કરે જારી કરેલા નિવેદન અનુસાર ચૂંટણીમાં કરવામાં આવેલાં ગોટાળાને પગલે તખ્તાપલટ કરવામાં આવ્યો છે. આ સાથે જ દેશના અલગ-અલગ વિસ્તારમાં સેનાની ટુકડી તૈનાત કરવામાં આવી છે. મ્યાનમારના મુખ્ય શહેર યાંગૂનમાં સીટી હોલ બહાર સૈના ખડકી દેવામાં આવી છે, જેથી કોઇ તખ્તાપલટનો વિરોધ ન કરી શકે.
મ્યાન્મારમાં 1962થી 2011 સુધી દેશમાં લશ્કરનું રાજ રહ્યું છે. 2010માં પહેલીવાર ચૂંટણી યોજવામાં આવી હતી અને લોકશાહી ઢબે સરકાર બની હતી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત કેટલાંય દેશોએ તખ્તાપલટ પર ચિંતા વ્યકત કરી અને મ્યાનમારની સેનાને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. મ્યાનમારના લશ્કરને ચેતવણી આપતા અમેરિકાએ જણાવ્યું હતું કે તે તાજેતરની ચૂંટણીમાં પરિણામોને બદલવા કે મ્યાનમારની લોકતાંત્રિક વ્યવસ્થામાં અડચણ ઉભી કરવાના પ્રયાસનો વિરોધ કર્યો છે અને જો આ તખ્તાપલટ ખત્મ નહીં થાય તો જવાબદાર લોકોની વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.