યોગ ગુરુ બાબા રામદેવે મુસ્લિમો અંગે ભડકાઉ ટીપ્પણી કરીને વિવાદ ઊભો કર્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં ધર્મસંતોની એક બેઠકમાં બાબા રામદેવે મુસ્લિમો પર આતંકનો આશરો લેવાનો અને હિંદુ મહિલાઓનું અપહરણ કરવાનો આક્ષેપ કર્યો હતો. હિંદુ ધર્મની ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ સાથે સરખામણી કરતી વખતે તેમણે આ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરી હતી. આવા ભડકાઉ નિવેદનને પગલે બાડમેર જિલ્લાના ચૌહટન પોલીસ મથકમાં રવિવારે એક સ્થાનિક વ્યક્તિએ યોગ ગુરુ બાબા રામદેવ સામે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં એફઆઈઆર નોંધાવી હતી.
બાબાએ આક્ષેપ કર્યો હતો કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ધર્માંતરણમાં રચ્યાપચ્યા રહે છે. જ્યારે હિંદુ ધર્મ તેના અનુયાયીઓને સારા કર્મની શીખામણ આપે છે. બાડમેરમાં ધર્મસભામાં તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમો દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરે છે અને પછી તેઓ જે ઇચ્છે છે તે કરે છે. તેઓ હિન્દુ છોકરીઓનું અપહરણ કરે છે અને તમામ પ્રકારના પાપો કરે છે. આપણા મુસ્લિમ ભાઈઓ ઘણા પાપો કરે છે, પરંતુ તેઓ ચોક્કસપણે નમાઝ અદા કરે છે, કારણ કે તેમને શીખવવામાં આવે છે. હિન્દુ ધર્મ આવો નથી.
બાબા રામદેવના આ ભાષણનો વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. રામદેવે કહ્યું હતું “હું કોઈની ટીકા કરતો નથી, પરંતુ લોકો માત્ર આમા જ રચ્યાપચ્યા રહે છે. કેટલાક લોકો સમગ્ર વિશ્વને ઇસ્લામમાં ફેરવવાની વાત કરે છે અને અન્ય લોકો વિશ્વને ખ્રિસ્તી બનાવવા માંગે છે. આ ધર્મોનો બીજો કોઇ એજન્ડા નથી. મુસ્લિમો પર હુમલો કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આતંકવાદી અથવા ગુનેગાર બની જાય છે અને છતાં નમાઝ અદા કરે છે. તેમણે આ સમુદાયાના રૂઢિચુસ્ત સભ્યોના પોશાકનો પણ ઉલ્લેખ કર્યો હતો.