પૂ. મોરારી બાપુ હંમેશા પોતાના પ્રવચનો અને કથાઓમાં આંતરધર્મ સંવાદને ઉત્તેજન આપે છે અને તેને કારણે જ તેઓ હિન્દુ અને મુસ્લિમ સમુદાયમાં લોકપ્રિય છે. સામાન્ય રીતે મુસ્લિમ ધર્મના લોકો હિન્દુ ધર્મ સ્થળો કે કથા-વાર્તાઓમાં જોડાતા નથી તેમ કહેવાય છે. પણ કેમ્બ્રિજમાં યોજાયેલી પૂ. બાપુની રામ કથામાં તા. 17ના રોજ ગુરૂવારે દાઉદી વ્હોરા સમાજના રૂકસાનાબેન ભારમલ અને તેમના પુત્રવધુ ઝૈનબ ભારમલ કથા સાંભળવા આવી પહોંચ્યા હતા.

કેમ્બ્રિજના ચેરહિન્ટનમાં રહેતા પુત્રને ત્યાં આવેલા અને મૂળ અમરેલી જીલ્લાના દામનગરના વતની રૂકસાનાબેને જણાવ્યું હતું કે ‘’આજે પૂ. બાપુની કથા સાંભળી હું બહુ જ ખુશ થઇ ગઇ છું. હું અગાઉ ભારતમાં રાજકોટમાં પણ પૂ. બાપુની કથા સાંભળવા ગઇ હતી. આપણો સૌનો ધર્મ એક જ બોધ આપે છે કે બધા સાથે સંપીને એક થઇને રહો અને એક બીજાને આદર આપો. મારા પતિ શબ્બીરભાઇ ભારમલ સ્થાનિક શાળા એમ.સી. હાઇસ્કૂલમાં શિક્ષક હતા અને તેઓ ઘણી વખત બાપુ તેમ જ અન્ય કથાકારોની કથાઓ સાંભળી ચુક્યા છે. પરંતુ તેઓ વ્હીલચેર યુઝર હોવાથી આજે આવી શક્યા નથી. પરંતુ વીકએન્ડમાં જરૂર કથા સાંભળવા આવશું.’’

તો ટીચીંગ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી યુવાન ઝૈનબ ભારમલે જણાવ્યું હતું કે ‘’પૂ. બાપુ અહિં કેમ્બ્રિજમાં મારા ઘર સુધી કથા કરવા આવે તો હું કેમ તેમની કથા સાંભળવા ન આવું. મારી નાની દિકરીઓને મૂકીને આજે મારા સાસુ સાથે કથા સાંભળવા આવી છું. સર ભાવસિંહજી ગર્લ્સ હોસ્ટેલમાં હું ભણતી હતી ત્યારે અમે રોજ નિત્યક્રમ તરીકે હનુમાન ચાલીસાના પાઠ કરતા હતા અને આજે પણ હનુમાન ચાલીસા મને કંઠસ્થ છે.‘’

LEAVE A REPLY