યુકે સરકારે મુસ્લિમ વિરોધી નફરતના ગુનાઓનો સામનો કરવા માટે બ્રિટિશ મુસ્લિમો, સમુદાય કેન્દ્રો, મસ્જિદો, મુસ્લિમ શાળાઓને આગામી ચાર વર્ષમાં CCTV, એલાર્મ સિસ્ટમ્સ અને ફેન્સિંગ માટે £117 મિલિયન કરતાં વધુ રકમનું રક્ષણાત્મક સુરક્ષા ભંડોળ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા સાથે સોમવારે પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત કરી હતી.
વધતી જતી “ઉગ્રવાદી ધમકીઓ”ના જવાબમાં લોકશાહી પ્રક્રિયાઓ અને સંસ્થાઓના રક્ષણ માટે લગભગ £31 મિલિયન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
યુકેના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ જણાવ્યું હતું કે “મુસ્લિમ વિરોધી નફરતને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. અમે બ્રિટિશ મુસ્લિમો સામેના દુરુપયોગને ન્યાયી ઠેરવવા માટે મધ્ય પૂર્વની ઘટનાઓનો ઉપયોગ થવા દઈશું નહીં. વડાપ્રધાન સુનકે સ્પષ્ટ કર્યું છે કે અમે યુકેમાં મુસ્લિમોની સાથે છીએ અને તેથી જ અમે આ ભંડોળ માટે પ્રતિબદ્ધ છીએ.”
હોમ ઓફિસે કહ્યું હતું કે ‘’અમે મુસ્લિમ વિરોધી અને યહૂદી વિરોધી તિરસ્કારમાં તાજેતરમાં થયેલા વધારાની નિંદા કરીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ તમામ દ્વેષપૂર્ણ ગુનાઓની સંપૂર્ણ તપાસ કરે અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ કામ કરે.’’
આ અગાઉ યહૂદી સમુદાયને રક્ષણાત્મક સુરક્ષા ગ્રાન્ટ તરીકે આગામી ચાર વર્ષમાં £70 મિલિયન કરતાં વધુ પ્રદાન કરવાના વડા પ્રધાન ઋષિ સુનકના વચનને અનુસરે છે.
બ્રિટિશ મુસ્લિમોની વસ્તી બ્રિટિશ યહૂદીઓ કરતાં ઈંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીમાં 14 ગણી વધારે છે.
હોમ ઑફિસે જણાવ્યું હતું કે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની શરૂઆતથી મધ્ય પૂર્વમાં તાજેતરની ઘટનાઓનો ઉપયોગ મુસ્લિમો અને યહૂદીઓ બંને વિરુદ્ધ “અનિવાર્ય નફરત” ઉશ્કેરવા માટે કેટલાક દ્વારા બહાના તરીકે કરવામાં આવે છે.