(ANI Photo)

ઉત્તરપ્રદેશના સંભલમાં રવિવાર, 24 નવેમ્બરે એક વિવાદાસ્પદ મસ્જિદના સરવેને પગલે ફાટી નીકળેલી હિંસામાં ચારના મોત થયા હતાં. સંભલ તાલુકામાં 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાઈ હતી અને જિલ્લા વહીવટીતંત્રે 25 નવેમ્બરે ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી હતી.

સંભલમાં રવિવારે સવારે મુઘલ-યુગની શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ મુજબ સર્વેક્ષણમાં કરવા માટે અધિકારીઓની ટીમ પહોંચી ત્યારે મુસ્લિમોના ટોળાએ હુમલો કર્યો હતો. તેનાથી સ્થાનિકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ મસ્જિદ હિંદુ મંદિરની જગ્યા પર બાંધવામાં આવી હોવાના દાવાને લઈને કાનૂની લડાઈ ચાલે છે.

મુસ્લિમો ટોળાએ કેટલાક વાહનોને પણ આગ લગાવી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીનો ઉપયોગ કર્યો હતો. પથ્થરમારામાં ઓછામાં ઓછા 20 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતાં. એક કોન્સ્ટેબલ, જેને માથામાં ઈજા થઈ હતી, તે ગંભીર હોવાનું કહેવાય છે.

બે મહિલાઓ સહિત 21 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓ સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા ધારા (NSA) હેઠળ કેસ કરવામાં આવશે.અધિકારીઓએ 30 નવેમ્બર સુધી સત્તાવાળાઓના આદેશ વિના કોઈપણ બહારના વ્યક્તિ, સામાજિક સંસ્થા અથવા જનપ્રતિનિધિને સંભલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

હરિહર મંદિર સ્થળને તોડીને જામા મસ્જિદ બનાવવામાં આવી હોવાની અરજીને પગલે સ્થાનિક કોર્ટે હકીકત જાણવા માટે સરવેનો મંગળવારે આદેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્વે મંગળવારે પૂર્ણ થઈ શક્યો ન હતો અને રવિવારની સવારે સરવેનો નિર્ણય કરાયો હતો. રવિવારે હિંસા થઈ હોવા છતાં સરવેની કામગીરી પૂરી થઈ હતી. સરવે ટીમે કોર્ટના આદેશ મુજબ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી. સરવે રિપોર્ટ 29 નવેમ્બર સુધીમાં કોર્ટમાં સબમિટ કરવાનો છે.

LEAVE A REPLY