ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ અને ચાઇલ્સ સેક્સ ગ્રુમિંગમાં બ્રિટીશ પાકિસ્તાની મુસ્લિમોની સંડોવણી હોવાની હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની ટીપ્પણી ‘બેજવાબદાર અને વિભાજનકારી’ હોવાનું જણાવી તેને પાછી ખેંચવા માટે ડઝનેક તબીબી સંસ્થાઓ, બિઝનેસીસ અને મુસ્લિમ સમુદાયના સંગઠનો દ્વારા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને વિનંતી કરવામાં આવી છે.
2020માં હોમ ઑફિસે જાહેર કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બાળ જાતીય શોષણના અપરાધીઓ સામાન્ય રીતે શ્વેત લોકો હોય છે તે દલીલને આગળ કરીને વિનંતી કરાઇ છે. દેશભરમાં સંખ્યાબંધ મુસ્લિમ સંગઠનોએ ઋષિ સુનકને પત્ર લખીને હોમ સેક્રેટરી તરફથી કરાયેલ ટીપ્પણીને “બેજવાબદાર અને વિભાજનકારી રેટરિક” તરીકે ઓળખાવી તેના પર “ઊંડી ચિંતા” વ્યક્ત કરી હતી.
બ્રેવરમેને સ્કાય ન્યૂઝના સોફી રિજ ઓન સન્ડે પ્રોગ્રામમાં કહ્યું હતું કે “કેટલીકવાર કેર કે પડકારજનક સંજોગોમાં હોય તેવી સંવેદનશીલ શ્વેત ઇંગ્લિશ છોકરીઓનો બ્રિટિશ પાકિસ્તાની પુરૂષોની ટોળકી દ્વારા પીછો કરી બળાત્કાર કરવામાં આવે છે, તેમને ડ્રગ્સ આપવામાં આવે છે અને નુકસાન પહોંચાડવામાં આવે છે. હવે સત્તાવાળાઓ પર દબાણ છે કે તેઓ આવા ગુનેગારોને કોઇ પણ ડર કે તરફેણ વિના શોધી કાઢે અને તેમને ન્યાય સુધી પહોંચાડે.”
ફાઇનાન્સ અને બિઝનેસની દુનિયાના વરિષ્ઠ અગ્રણીઓએ શ્રી સુનકને ટિપ્પણીઓ પાછી ખેંચવા વિનંતી કરી ચેમકી આપી હતી કે ‘’આમ કરવામાં નિષ્ફળ જશો તો તમારા નેતૃત્વવાળી સરકાર તરીકે જોવામાં આવશે અને તેને બ્રિટન પર લક્ષિત ધર્માંધતાને પ્રોત્સાહન આપવાના અને પાકિસ્તાનીઓ તરફના દ્વેષ તરીકે જોવાશે.”
બ્રેવરમેનનો બચાવ કરતા સુનકે કહ્યું હતું કે રોશડેલ, રોધરહામ અને ટેલફોર્ડમાં પીડિતોને વારંવાર અવગણવામાં આવ્યા હતા કેમ કે લોકો પોલીટિકલ કરેક્ટનેસ કે “સાંસ્કૃતિક રીતે અસંવેદનશીલ” બનવા માંગતા ન હતા.
હોમ ઑફિસના પ્રવક્તાએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે: “હોમ સેક્રેટરી ચાઇલ્ડ એબ્યુઝ કરનારાઓને કોર્ટના કઠેરામાં લાવવ મક્કમ છે અને યુવાન મહિલાઓ અને છોકરીઓના ગૃમીંગની વાત હોય ત્યારે આકરૂ સત્ય કહેવાથી ડરશે નહીં.’’
હોમ સેક્રેટરીએ કહ્યું હતું કે ‘’મોટા ભાગના બ્રિટિશ-પાકિસ્તાનીઓ કાયદાનું પાલન કરનારા સારા નાગરિકો છે. પરંતુ રોશડેલ, રોધરહામ અને ટેલફર્ડ જેવા નગરોમાં કાઉન્સિલ અને પોલીસના નાક નીચે દુર્વ્યવહાર કરાયો હતો.
તેથી જ અમે નવા પોલીસ ટાસ્ક ફોર્સ અને ફરજિયાત રિપોર્ટિંગ સહિતના પગલાંની જાહેરાત કરી છે.’’
18,000 પાકિસ્તાની ડાયસ્પોરા સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા બ્રિટિશ પાકિસ્તાની ફાઉન્ડેશન (BPF) તથા અન્ય પાકિસ્તાની ડાયસ્પોરા જૂથો દ્વારા પત્રો જારી કરાયા હતા. જેમાં કહેવાયું હતું કે “આથી સમગ્ર સમુદાય કલંકિત થશે અને તેમને બાળ જાતીય શોષણનો ‘ચહેરો’ બનાવવાથી અપરાધીઓ પરથી ધ્યાન હટશે જે ભોગ બનેલાઓને નુકસાન પહોંચાડશે. બીજી તરફ લઘુમતીઓ સામે વધુ હિંસા આચરવા માટેનું કારણ બનશે. અમે તમને ગૃહ સચિવના દાવાઓને તાત્કાલિક સ્પષ્ટ કરવા અને તેણીને તેણીની ટિપ્પણી પાછી ખેંચવા માટે કહીએ છીએ.’’