ટેસ્લાના માલિક એલન મસ્કે બિટકોઇન અંગે યુ-ટર્ન લીધો છે. તેમણે ગુરુવારે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે ટેસ્લા ઇન્ક પર્યાવરણીય ચિંતાને કારણે તેના વાહનોની ખરીદી માટે બિટકોઇનનો સ્વીકાર નહીં કરે.
એલન મસ્કની આ ટ્વીટના 2 કલાકમાં જ બિટકોઈનની કિંમત 54,819 ડોલરથી ઘટીને 45,700 ડોલર થઈ ગઈ હતી. એલન મસ્કે જળવાયુ સમસ્યાના કારણે બિટકોઈન સ્વીકારવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ બિટકોઈનની કિંમત 17 ટકા સુધી ઘટી ગઈ હતી. જે પહેલી માર્ચ બાદની તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે. એલન મસ્કે લખ્યું હતું કે, ‘અમે બિટકોઈન માઈનિંગ અને લેવડ દેવડ માટે જીવાશ્મ ઈંધણના ખૂબ જ ઝડપથી વધી રહેલા ઉપયોગને લઈને ચિંતિત છીએ. ખાસ કરીને કોલસો જેમાં અન્ય કોઈ પણ ઈંધણની સરખામણીએ સૌથી વધારે ઉત્સર્જન થાય છે.’
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં ટેસ્લાએ એવી જાહેરાત કરી હતી કે તેમણે 1.5 બિલિયન ડોલરના બિટકોઈન ખરીદ્યા છે અને તેઓ પોતાની કારની ખરીદી સામે તેનો સ્વીકાર કરશે, ત્યાર બાદ બિટકોઈનની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો હતો. અગાઉ પણ એલન મસ્કની ટ્વીટના કારણે ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો નોંધાયો હતો.