છ મહિના સુધીના જાહેર અને કાનૂની વિવાદ બાદ ઇલોન મસ્કે ટ્વીટરને હસ્તગત કરવાનો 44 બિલિયન ડોલરનો સોદો ગુરુવાર (27 ઓક્ટોબર)એ પૂરો કર્યો હતો અને તરત આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના ભારતીય મૂળના સીઇઓ પરાગ અગ્રવાલ સહિતના ટોચના એક્ઝિક્યુટિવની હકાલપટ્ટી કરી હતી. વિશ્વના આ સૌથી ધનિક વ્યક્તિએ ટ્વીટરના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસલ નેડ સેગલ અને કાનૂની બાબતો અને પોલિસી વેડ વિજય ગડ્ડેને પણ તેમના હોદ્દા પરથી દૂર કર્યા હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ આ ડીલની કામગીરી પૂરી થઈ ત્યારે પરાગ અગ્રવાલ અને સેગલ ટ્વીટરના સાન ફ્રાન્સિસ્કો ખાતેના હેડક્વાર્ટરમાં હતા અને તેમને ઓફિસની બહાર કાઢવામાં આવ્યા હતા.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના સંપૂર્ણ માલિક બની ગયા છે. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર ટ્વિટરની ડીલ થઈ ગયા પછી તેઓ એક્શન મોડમાં આવી ગયા હતા. આ સાથે જ છેલ્લાં ઘણાં મહિનાઓથી ઈલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હતો. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 બિલિયન ડોલરની ઓફર આપી હતી. પરંતુ ત્યારપછી તે પોતાની વાત પરથી ફરી ગયા હતા. તેનાથી ટ્વિટરે ઈલોન મસ્કને કોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જો શુક્રવાર સુધી ઈલોન મસ્ક આ ડીલને આગળ ના વધારતા તો કોર્ટમાં સુનાવણી શરુ થવાની હતી. ટેસ્લાના CEO ઈલોન મસ્કે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ડેડલાઈન પહેલા જ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પોતાના હાથમાં લઈ લીધું છે.
ઈલોન મસ્કના આ પગલાથી ટ્વિટરના કર્મચારીઓમાં ચર્ચા શરુ થઈ ગઈ હતી. જો કે, ઈલોન મસ્ક તરફથી ટ્વિટરના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તે 75 ટકા કર્મચારીઓની છટણી નહીં કરે. ઉલ્લેખનીય છે કે એવી અટકળો શરુ થઈ હતી કે ઈલોન મસ્ક 75 ટકા અથવા 5600 જેટલા કર્મચારીઓને નીકાળી દેશે. રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કે બધુવારે મોડી રાતે ટ્વિટરના હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓને સ્પષ્ટ કરી દીધુ હતું કે તે આટલા બધા લોકોને નોકરી પરથી નહીં નીકાળે.