શિવસેના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનના ઉમેદવાર દ્વૌપદી મુર્મુને સમર્થન આપશે. શિવસેનાના સાંસદોના દેખિતા દબાણને પગલે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે આ જાહેરાત કરી હતી.
ઠાકરેએ જણાવ્યું હતું કે સેના કોઇપણ દબાણ વગર મુર્મુને સમર્થન જાહેર કરે છે. હું મારું વલણ સ્પષ્ટ કરું છું. મારી પાર્ટીના કેટલાંક આદિવાસી નેતાઓએ મને કહ્યું હતું કે એક આદિવાસી મહિલાને પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ બનવાની તક મળી છે. તેમના અભિપ્રાયને માન આપીને અમે દ્વૌપદી મુર્મુની ઉમેદવારીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે તેમણે જણાવ્યું હતું કે વાસ્તવમાં હાલના રાજકીય વાતાવરણમાં મારે મુર્મુને ટેકો આપવો જોઇતો ન હતો. પરંતુ અમે સંકુચિત મનના નથી.
એક દિવસ પહેલા મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને યોજાયેલી સેના સાંસદોની બેઠકનો ઉલ્લેખ કરતાં તેમણે ણા વ્યું હતું કે સેના સાંસદોમાંથી કોઇએ પણ મારા પર દબાણ કર્યું ન હતું.
BJD, YSR-CP, BSP, AIADMK, TDP, JDS, શિરોમણી અકાલી દળ અને હવે શિવસેના સહિતના પ્રાદેશિક પક્ષોના સપોર્ટ બાદ એનડીએના ઉમેદવાર મુર્મુનો મતહિસ્સો 60 ટકાને વટાવી ગયો છે. તેમના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે મતહિસ્સો 50 ટકા હતો. શિવસેનાના સાંસદોની સોમવારે યોજાયેલી બેઠકમાં મોટાભાગના સાંસદોએ મુર્મુની ઉમેદવારીને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેને અનુરોધ કર્યો હતો
ભાજપ સાથેના સંબંધો સુધારવા ઠાકરેને શિવસેના સાંસદોનો અનુરોધ
શિવસેનાના સાંસદોએ જૂના સાથી પક્ષ ભાજપ તથા મુખ્યપ્રધાન એકનાથ શિંદના વડપણ હેઠળના બળવાખોરોના જૂથ સાથેના સંબંધોમાં સુધારો કરવા પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને અનુરોધ કર્યો છે. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને સોમવારે યોજાયેલી બેઠકમાં શિવસેનાના સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સેના સાંસદ હેમંત ગોડસેએ જણાવ્યું હતું કે જોડાણ પર ભારત મૂકતા સાંસદોએ ઠાકરેને જણાવ્યું હતું કે મહાવિકાસ અઘાડી સાથેના અકુદરતી જોડાણથી વિરુદ્ધ ભાજપ શિવસેનાનો નેચરલ સાથી પક્ષ છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાંથી સેનાના કુલ 18માંથી 13 સાંસદોએ હાજરી આપી હતી