ભારતનાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પદે દ્રોપદી મુર્મૂની જીત થઇ છે. એનડીએનાં ઉમેદવાર મુર્મૂએ વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિંહાને ખૂબ જ બહોળી સરસાઇથી ચૂંટણીમાં હરાવ્યા છે. ત્રીજા રાઉન્ડની મત ગણતરીમાં તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા મત મેળવી લીધા છે. જોકે, હજુ એક રાઉન્ડની ગણતરી બાકી છે, પરંતુ હવે તે માત્ર એક ઔપચારિકતા જ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીના ત્રણ રાઉન્ડમાં કુલ 3219 મત હતા. જેનું મૂલ્ય 8,38,839 હતું. જેમાંથી દ્રૌપદી મુર્મૂને 2161 મત મળ્યા, જેનું મૂલ્ય 5,77,777 છે. જ્યારે યશવંત સિંહાને 1058 વોટ મળ્યા, જેનું મૂલ્ય 2,61,062 છે. આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ હતી. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંસદ ભવન પરિસરમાં મતગણતરી શરૂ થઇ હતી. બીજા રાઉન્ડમાં પણ દ્રૌપદી મુર્મૂ આગળ હતા. સાંસદોના મતોની ગણતરીમાં 540 વોટ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા, જ્યારે યશવંત સિંહાને 208 વોટ મળ્યા હતા. ઉપરાંત 15 વોટ અમાન્ય જાહેર કરાયા હતા. દેશના સર્વોચ્ચ પદ્દે મુર્મૂની જીત નિશ્ચિત હોવાથી આજ સવારથી જ તેમના વતનમાં વિવિધ પ્રકારની ઉજવણીઓ શરૂ થઇ ગઇ હતી.