ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચે શનિવારે સાંજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે અને તેની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને તેની મતગણતરી 2 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનું જાહેરનામું 1 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે અને નગરપાલિકા, જિલ્લા પંચાચત તેમ જ તાલુકા પંચાયતોનું જાહેરનામું 8 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે. આ સાથે જ જે તે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં બેઠકો ખાલી છે ત્યાં પણ પેટાચૂંટણી યોજાશે.
આ ચૂંટણી યોજાવા માટે પંચે તમામ તૈયારી ઘણા સમય અગાઉથી શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં વહીવટદારનું શાસન છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. કોરોનાના લીધે એક તબક્કે બંને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે.