મહારાષ્ટ્રમાં મુંબઇ, કોંકણ અને પૂણેમાં બુધવારની રાત્રીથી તોફાની વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવનને માંઠી અસર થઈ હતી. મુંબઈમાં ઓક્ટોબરમાં 24 કલાક દરમિયાન છેલ્લાં એક દાયકાનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. શહેરમાં આશરે 144.8 મિલી વરસાદ નોંધાયો હતો. અગાઉ 2012ના ઓક્ટોબર મહિનામાં 197.7 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુંબઈ સહિતના સમગ્ર કોંકણ વિસ્તારમાં ગુરુવારે પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યો હતો.
રાજ્ય સરકારે તમામ ખાતાંને સાવધ કર્યા હતા અને ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવાનું કહ્યું હતું. મુંબઇના ભાયખલા, હિંદમાતા, કુર્લા, કિંગ્સ સર્કલ, અંધેરી સબવે વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઠેર ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયાં હતાં. પૂણેમાં પૂર આવ્યાં હોય એવી પરિસ્થિતિ હતી. આ ઉપરાંત રત્નાગીરી અને સિંઘુદૂર્ગ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.