દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પાવરગ્રીડ ફેઇલ થતાં સોમવારે સવારે દસ વાગ્યે સમગ્ર શહેરમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાઈ જતાં સમગ્ર મુંબઈમાં જનજીવનને અસર થઈ હતી. ટ્રેન, હોસ્પિટલ સહિતની આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને લાખ્ખો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પાવર ગ્રીડ ફેલ થવાને કારણે આખા મુંબઈ રીજન (MMRDA) એટલે કે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના ઘણા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે. મુંબઈમાં વીજ પુરવઠો પૂરો પાડતી બેસ્ટ કંપનીએ એવી જાહેરાત કરી હતી કે તેની ગ્રીડ ફેઇલ થઇ હતી. પરિણામે ઠેર ઠેર બ્લેક આઉટ થયો હતો અને લોકલ ટ્રેન જ્યાં ને ત્યાં અટકી પડી હતી. વાંદરા, કોલાબા અને માહિમ વિસ્તારમાં સવારે દસ વાગ્યાથી અંધારપટ હતો. બેસ્ટ કંપની કહી શકી નહોતી કે વીજપુરવઠો ક્યારે રાબેતા મુજબ થશે. વીજળી પુરવઠો આપતી કંપની બેસ્ટે કહ્યું હતું કે તાતા કડુનામાં ગ્રીડ ફેલ થવાથી વીજ પુરવઠાને પ્રતિકૂળ અસર થઇ હતી. આખાય મુંબઇ શહેરમાં બ્લેક આઉટની સ્થિતિ પ્રવર્તી રહી હતી. 360 મેગાવેાટ જેટલો પાવર પુરવઠો ખોરવાયો હતો.
ટાટા પાવરે ટ્વીટ કર્યું કે, સોમવારે સવારે 10.10 વાગ્યે કલવા (ખારઘર) સ્થિત MSETCLમાં ખરાબી આવી ગઈ છે. જેના કારણે મુંબઈ સહિત ઘણા વિસ્તારોમાં ટ્રાન્સમિશન પ્રોબ્લેમ થયો છે. તેને ઠીક કરવા માટે કામગીરી ચાલી રહી છે. ત્રણ હાઈડ્રો યુનિટ્સથી સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે. રેલવેના પ્રવક્તાએ કહ્યું કે વીજ પુરવઠો ખોરવાયાથી લોકલ ટ્રેનો અટકી પડી હતી.