મુંબઇના નાગપાડા વિસ્તારના મોલમાં ગુરૂવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ભીષણ આગને પગલે બાજુના બિલ્ડિંગથીમાંથી આશરે 3,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ મોલની બાજુના મકાનમાં રહેતા લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા.
જો કે ફાયર બ્રિગેડ અને આ વિસ્તારના અન્ય લોકોએ તરત રાહત કાર્ય શરૂ કર્યું હતું શુક્રવારની સવાર સુધી આગ પૂરેપૂરી બુઝાવી શકાઇ નહોતી. આગ બુઝાવવાના કાર્યમાં ફાયર બ્રિગેડના બે જવાનોને ઇજા થઇ હતી.
ફાયર બ્રિગેડના પ્રવક્તાએ કહ્યું કે આગ લાગી કેવી રીતે એની તપાસ ચાલી રહી હતી. મોલની બરાબર બાજુમાં પંચાવન માળનું એક રહેવાસી ટાવર હતું જેમાં રહેતા લોકો સ્વાબાવિક રીતે ગભરાઇ ગયા હતા. આ ટાવરમાં રહેતા 3500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મુંબઇ ફાયર બ્રિગેડના વડા શશીકાંત કાળેએ કહ્યું કે આ આગને કાબુમાં લેવા ચોવીસ ફાયરફાઇટર્સ અને અઢીસોથી વધુ જવાનો કામે લાગ્યા હતા. મોડી રાત્રે આગ લાગી ત્યારે મોલમાં કોઇ નહોતું એટલે જાનહાનિ કે ઇજાના કેસ નોંધાયા નહોતા. મુંબઇના મેયર કિશોરી પેડણેકર અને બીએમસીના અન્ય અધિકારીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય પર નજર રાખી હતી.