નોર્થ લંડનના નોર્થવિક પાર્કમાં આવેલી અને ખૂબ જ લોકપ્રિય થયેલી ભારતીય રેસ્ટોરન્ટ મુંબઇ જંકશનને બંધ કરી તેના સ્થાને ફ્લેટનો એક બ્લોક બનાવવાની બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા તા. 18 ઓક્ટોબરની રાત્રે મળેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
આ સ્થળે 15 એક બેડરૂમ, 16 બે બેડરૂમ અને 11 ત્રણ બેડરૂમના ફ્લેટ બનાવાશે. ચોથા માળે 24 કાર પાર્કિંગ સ્પેસ અને કોમ્યુનલ રૂફ ટેરેસ પણ હશે. રહેવાસીઓ, કાઉન્સિલરો અને સ્થાનિક સાંસદ સહિત 450થી વધુ લોકો આ બિલ્ડીંગ નિર્માણનો વિરોધ કરતા હતા.
રેસ્ટોરંટના એક માલિક કેન્સર સામે લડી રહ્યા છે. મુંબઈ જંકશનના વિવાદાસ્પદ રીડેવલપમેન્ટને કારણે સ્થાનિક રીતે લોકોમાં ગુસ્સો છે. પ્રોપર્ટી ડેવલપર્સ ફ્રુશન પ્રોપર્ટીઝ વોટફોર્ડ રોડ પર આવેલી બે માળની ભારતીય રેસ્ટોરન્ટને તોડીને 42 નવા ઘરો ધરાવતી ત્રણથી પાંચ માળની બિલ્ડીંગનું નિર્માણ કરશે.
15 વર્ષથી રેસ્ટોરન્ટની માલિકી ધરાવતા પરિવારના ડેવી પારેખે સમિતિને કહ્યું હતું કે ‘’બિઝનેસ બંધ કરવો એ સાચો નિર્ણય છે. મારો ભાઈ બિપિન રોજેરોજનો બિઝનેસ સંભાળતો હતો પરંતુ મારા ભાઈની ઉંમર અને તેના કેન્સરના નિદાન બાદ મારા પરિવાર અને મેં નક્કી કર્યું છે કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. રેસ્ટોરન્ટ ઐતિહાસિક રીતે બે વખત એડમિનિસ્ટ્રેશનમાં ગઇ હતી. અમે વર્તમાન આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ, તે જોતાં, અમારે રેસ્ટોરન્ટ બંધ કરવી જોઈએ. અમારા પરિવાર માટે તે યોગ્ય નિર્ણય છે.”