અમેરિકામાં જુલાઈમાં રમાઈ ગયેલી મેજર લીગ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે સીએટલ ઓર્કાસને સાત વિકેટે હરાવી મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂ યોર્ક ચેમ્પિયન બની હતી. ટેક્સાસના ડલ્લાસમાં રમાયેલી ફાઈનલમાં સીએટલ ઓર્કાસે 9 વિકેટે 182 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂ યોર્કે ફક્ત 16 ઓવર્સમાં ત્રણ વિકેટ ગુમાવી 184 રન કર્યા હતા.
સુકાની નિકોલસ પૂરને અત્યંત આક્રમક બેટિંગ કરતાં ફક્ત 55 બોલમાં અણનમ 137 રન ખડકી દીધા હતા, જેમાં 13 છગ્ગા અને 10 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેના સિવાય ડેવોલ્ડ બ્રેવિસે 20 અને શયાન જહાંગીર તથા ટિમ ડેવિડે 10-10 રન કર્યા હતા. પૂરને ટુર્નામેન્ટની આ સીઝનની સૌથી ઝડપી અડધી સદી – ફક્ત 16 બોલમાં ફટકારી હતી. તે આ ટુર્નામેન્ટનો પણ ટોપ સ્કોરર રહ્યો હતો. એ પહેલા સીએટલ ઓર્કાસ તરફથી ઓપનર ક્વિન્ટન ડીકોકે સૌથી વધુ 87 રન કર્યા હતા, તો શુભમ રાંજણેએ 29 કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી.