મહિલા પ્રીમિયર લીગ (વીમેન્સ પ્રીમિયર લીગ – ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સીઝનમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી પહેલા મહિલા ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો. હરમનપ્રીત કૌરની ટીમે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાત વિકેટે વિજય સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
દિલ્હી કેપિટલ્સની સુકાની મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 131 રન કર્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 3 વિકેટે 134 રન કરી ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું.
ઈંગ્લેન્ડની અનુભવી ખેલાડી નતાલી સીવર બ્રન્ટે 55 બોલમાં અણનમ 60 રન કરી મુંબઈના વિજયમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. આઈપીએલ (પુરૂષ ક્રિકેટર્સ) માં મુંબઈ ઈન્ડિયન્સ અત્યારસુધીમાં પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે, હવે મહિલા ટીમની સફળતા સાથે મુંબઈના શિરે છઠ્ઠો તાજ આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સ એક તબક્કે તો 79 રનમાં 9 વિકેટ ગુમાવી ચૂકી હતી. ત્યારે એવું લાગતું હતું કે તે 100 રન સુધી પણ પહોંચી નહીં શકે. પણ શિખા પાંડે અને રાધા યાદવે છેલ્લી વિકેટની ભાગીદારીમાં ધમાકેદાર બેટિંગ સાથે ફક્ત 24 બોલમાં 52 રન ખડકી દીધા હતા. રાધાએ 12 બોલમાં અણનમ 27 અને શિખાએ 17 બોલમાં અણનમ 27 રન કર્યા હતા.