મુંબઈમાં ભાંડુપ વિસ્તારમાં એક મોલમાં આવેલી હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા દસ વ્યક્તિના મોત થયા હતા. LBS માર્ગ પર આવેલા ડ્રીમ મૉલમાં ચોથે માળે આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે 14 ફાયર એન્જિન અને 10 જમ્બો વોટર ટેન્ક પહોંચી હતી.
પોલીસ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે 22 ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 13 કલાકની ભારે જહેમત બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો, રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને બચાવ અને રાહત કાર્યની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાને મરણ પામેલા લોકોના પરિવારને રૂ.5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
હોસ્પિટલમાં આગ લાગી ત્યારે તેમાં 76 દર્દીઓ હતા. મોટા ભાગના દર્દીઓ કોરોનાના સારવાર લઈ રહ્યા હતા. મહારાષ્ટ્રના કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે આ ઘટના બની હતી. મુંબઈમાં ગુરુવારે કોરોનાના 5,504 નવા કેસ નોંધાયા હતા, જે કોરોના મહામારી પછીના સૌથી વધુ દૈનિક કેસ છે.