તાજેતરની હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વૈશ્વિક અમીરોની યાદી મુજબ બેઇજિંગને પાછળ રાખીને મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની બન્યું છે. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને ૯૨ થઈ છે, જે બેઇજિંગના ૯૧ના આંકને વટાવી ગઇ છે.આ ભારત માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જે એશિયામાં સંપત્તિ નિર્માણમાં મુંબઈને મોખરે રાખે છે.
સૌથી વધુ અબજોપતિની ધરાવતા ટોચના શહેરોમાં ન્યૂ યોર્ક મોખરે છે. ન્યૂયોર્કમાં 119 અબજોપતિ છે, જ્યારે લંડનમાં આ સંખ્યા 97 છે. હુરુન લિસ્ટમાં જણાવ્યા અનુસાર ચીનના ૮૧૪ સામે ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા ૨૭૧ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ ૧૧૫ અબજ ડોલર સાથે ‘સૌથી ધનાઢ્ય ભારતીય’નું સ્થાન જાળવી રાખ્યું છે. અંબાણીની સંપત્તિમાં ગયા વર્ષે ૪૦ ટકા અથવા ૩૩ અબજ ડોલરનો ઉમેરો થયો છે. ગૌતમ અદાણીએ ગયા વર્ષે સંપત્તિમાં ૬૨ ટકાનો ઉમેરો કર્યો છે. અમેરિકાના શોર્ટસેલર હિંડનબર્ગના અહેવાલ પછી મોટું નુકસાન વેઠનારા અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે થોડી રિકવરી નોંધાઈ છે. વિશ્વના ધનાઢ્યોમાં મુકેશ અંબાણી દસમા ક્રમે છે. ઇલોન મસ્ક ૨૩૧ અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ટોચ પર છે. અદાણીને ‘ગ્લોબલ રિચ લિસ્ટ’માં ૧૫મું સ્થાન મળ્યું છે. ભારતના અબજપતિઓની કુલ સંપત્તિ એક ટ્રિલિયન ડોલરે પહોંચી છે.
ભારત વાર્ષિક સાત ટકાના વૃદ્ધિદર સાથે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. જ્યારે ચીનની વૃદ્ધિ ધીમી પડી છે. રિયલ એસ્ટેટ સહિતના કેટલાક મહત્વના ક્ષેત્રોમાં પડકારોની ચીનના આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર થઈ છે. તેને લીધે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાં મોટા પાયે રોકાણ કર્યું છે અને એટલે સ્થાનિક કંપનીઓના વેલ્યુએશન વધ્યા છે. તેને લીધે ઉદ્યોગપતિઓની નેટ વર્થમાં પણ ઉછાળો નોંધાયો છે. ભારતે નવા અબજપતિઓમાં ઉમેરાની દ્રષ્ટિએ પણ ચીનને ‘ઓવરટેક’ કર્યું છે. સૂચિત ગાળામાં ચીનના ૫૫ની તુલનામાં ભારતમાં ૯૪ નવા અબજપતિ ઉમેરાયા છે. ગયા વર્ષે ચીનના છની તુલનામાં મુંબઇમાં ૨૭ નવા અબજપતિ
હુરુન રિચ લિસ્ટના અહેવાલમાં મુંબઇને ‘વેલ્થ હબ’ ગણાવાયું છે. શહેરના ધનાઢ્યોની સંપત્તિમાં ૪૭ ટકા ઉછાળો નોંધાયો છે, જેની તુલનામાં બેઇજિંગમાં અગ્રણી ધનાઢ્યોની સંપત્તિ ૨૮ ટકા ઘટી છે.