મુંબઈના પરા વિસ્તાર વિરારની વિજય બલ્લભ હોસ્પિટલમાં ભીષણ આગને કારણે 13 લોકોનાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવારની મોડીરાતે કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં 13 દર્દીઓના મોત થયા હતા. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સથી લઈને ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની અને દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.
મહારાષ્ટ્ર પોલીસે આપેલી માહિતી પ્રમાણે હોસ્પિટલમાં આગને કારણે 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ જ્યારે હોસ્પિટલમાં આગ લાગી ત્યારે આઈસીયુ વોર્ડમાં 17 દર્દી હાજર હતા. પ્રાથમિક માહિતી મુજબ શોટ સર્કિટ કારણે આગ લાવી હોવાની શક્યતા છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હોસ્પિટલના બાકીના દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં એક મહિનામાં હોસ્પિટલમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. આમાંથી બે મુંબઇની જ છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ્સ મોલમાં લાગેલી આગ ત્રીજા માળે સનરાઈઝ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં દાખલ 10 દર્દીઓના મોત થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાને કારણે કોરોનાના 24 દર્દીઓના મોત થયા હતા.