વિદેશીઓ માટે મુંબઇ રહેવા માટે અને જીવનજરૂરી ખર્ચ બંને રીતે ભારતનું સૌથી મોંઘું શહેર છે. નવી દિલ્હી આ યાદીમાં બીજા ક્રમે છે, એવું એક સરવેમાં જણાવાયું છે. જોકે, વૈશ્વિક સ્તરે આ બંને મહાનગરો ખર્ચની રીતે ઘણા વાજબી છે. મર્સરના ૨૦૨૨ ‘કોસ્ટ લિવિંગ સરવે’ પ્રમાણે વિદેશીઓ માટે રહેવાની અને જીવનજરૂરી ચીજોના ખર્ચની બાબતમાં મુંબઇ ૧૨૭મા ક્રમે છે અને તે ભારતનું સૌથી મોંઘું શહેર છે. ત્યાર પછીના ક્રમે નવી દિલ્હી (૧૫૫), ચેન્નાઇ (૧૭૭), બેંગલુરુ (૧૭૮) અને હૈદરાબાદ (૧૯૨) છે. આ યાદીમાં પુણે અને કોલકાતાનું સ્થાન અનુક્રમે ૨૦૧ અને ૨૦૩ છે. જોકે, વૈશ્વિક સ્તરે ભારતના આ મહાનગરો વિદેશીઓ માટે સૌથી વાજબી ખર્ચ ધરાવતા શહેરો છે.
વૈશ્વિક સ્તરે હોંગકોંગ સૌથી મોંઘું શહેર છે. ઝ્યુરિક, જિનિવા, સ્વિટ્ઝર્લેન્ડના બેસલ અને બર્ન, ઇઝરાયલનું તેલ અવિવ, ન્યૂ યોર્ક, સિંગાપોર, ટોકિયો અને બેઇજિંગ ત્યાર પછીના ક્રમે છે. મર્સરનો આ સરવે માર્ચ ૨૦૨૨માં કરાયો હતો. ચાલુ વર્ષના રેન્કિંગમાં ૨૦૦થી વધુ કોમોડિટીના ભાવને ધ્યાનમાં લેવાયા છે. જેમાં વિશ્વના પાંચ ખંડના ૨૨૭ શહેરના હાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન, ખાદ્ય ચીજો, કપડાં, ઘરમાં વપરાતો સામાન અને મનોરંજનના ખર્ચને ધ્યાનમાં લેવાયો છે. મુંબઇ મલ્ટિનેશનલ કંપનીઓમાં બિઝનેસ શરૂ કરવા માટે સૌથી વધુ પ્રચલિત છે. જોકે, મુંબઇના ઊંચા જીવનનિર્વાહ ખર્ચને કારણે કંપનીઓ હૈદરાબાદ, ચેન્નાઇ અને પુણે જેવા ઓછા ખર્ચાળ વિકલ્પો તરફ નજર દોડાવી રહી છે.