મુંબઈમાં ભારે વરસાદને પગલે બુધવારે મોડી રાત્રે મલાડ વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગ ધારાશાયી થતાં 11 લોકોના મોત થયા હતા અને સાત વ્યક્તિ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
મલાડ વેસ્ટના માલવાણી વિસ્તારમાં આવેલી 4 માળની ઈમારત બુધવારે રાતે 11:00 કલાકે ધસી પડી હતી.
ઈમારત ધરાશાયી થવાના કારણે 11 લોકોના મોત થયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય 7 લોકોને બીડીબીએ નગર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈમારત ધરાશયી થઈ તે સમયે કેટલાક બાળકો સહિત અનેક લોકો ઈમારતની અંદર હતા.
દુર્ઘટના અંગે જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે સિવાય સ્થાનિક પોલીસે લોકોની મદદ વડે કાટમાળમાં ફસાયેલા 11 લોકોને બહાર કાઢ્યા હતા. જાણવા મળ્યા મુજબ દુર્ઘટના સમયે ઈમારતમાં આશરે 20 કરતા વધારે લોકો ઉપસ્થિત હતા જેમાં કેટલાક બાળકો પણ હતા.
મુંબઈમાં બુધવારે આખો દિવસ ભારે વરસાદ વરસ્યો હતો અને તેનાથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદથી રસ્તાઓ અને રેલવેના પાટા પણ બંધ કરી દેવા પડ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે મુંબઈ સહિત વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું.